Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

માત્ર ૨૩ લોકો વસે છે ઓસ્‍ટ્રેલિયાના પ્રિન્સિપાલિટી ઓફ હટ રિવર નામના દેશમાઃ ૧૯૭૦માં સ્‍વઘોષિત દેશ બન્યો હતો

નવી દિલ્હીઃ તમારી દૃષ્ટિએ એક દેશની કુલ વસતી ઓછામાં ઓછી કેટલી હોઈ શકે છે. 10 હજાર, 5 હજાર કે પછી માની લો 1 હજાર સુધીની. જોકે, આજે અમે તમને એક એવા સ્વઘોષિત દેશ (માઈક્રોનેશન) અંગે જણાવીશું, જેની કુલ વસતી માત્ર 23 છે. એટલે કે, આ ટચૂકડા દેશમાં માત્ર 23 લોકો વસે છે.

આ ટચૂકડો દેશ ઓસ્ટ્રેલિયન મહાદ્વીપમાં આવેલો છે, જેનું નામ છે 'પ્રિન્સિપાલિટી ઓફ હટ રિવર. આ દેશમાં રહેનારા તમામ 23 લોકો એક જ પરિવારના છે. 'પ્રિન્સિપાલિટી ઓફ હટ રિવર' દેશ 75 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.

1970માં બન્યો હતો સ્વઘોષિત દેશ

પ્રિન્સિપાલિટી ઓફ હટરિવર 1970માં સ્વઘોષિત દેશ બન્યો હતો. જો આપણે અહીં જવું હોય તો વિઝા લેવો પડે છે, જેની કિંમત 4000 ડોલર છે, જે સરળતાથી મળી જાય છે. આ માઈક્રોનેશનની સ્થાપના લિયોનાર્ડ કસ્લે નામના વ્યક્તિએ કરી છે.

રસપ્રદ સ્ટોરી

અગાઉ આ દેશ ઓસ્ટ્રેલિયામાં ભળેલો હતો. 1969માં ઓસ્ટ્રેલિયામાં લાગુ કરવામાં આવેલા ઘઉં ક્વોટા બિલના કારણે આ વિસ્તાર એક સ્વઘોષિત દેશ બની ગયો છે. ઘઉં ક્વોટા અંગેના આ બિલ અનુસાર કોઈ પણ ખેડૂત સરકારને 100 એકરથી વધારે જમીનના ઘઉં વેચી શકે નહીં. લિયોનાર્ડની પાસે 1300 હજાર એકર કરતાં પણ વધુ જમીન હતી. સરકારના આ બિલના કારણે તેનું ઘણું અનાજ બગડી જતું હતું. તેણે સરકારને રાજી કરવા માટે ખુબ જ પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. આથી લિયોનાર્ડે ઓસ્ટ્રેલિયામાંથી છુટા પડવાનો નિર્ણય લીધો. આ રીતે 'પ્રિન્સિપાલિટી ઓફ હટ રિવર' તરીકે એક સ્વઘોષિત દેશની સ્થાપના થઈ.

ટચૂકડા દેશની વિશેષતા

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ સ્વઘોષિત દેશનો પોતાનો રાષ્ટ્રધ્વજ અને પોતાનું ચલણ(Currency) છે. લિયોનાર્ડે બ્રિટનની મહારાણીને પોતાના દેશની મહારાણી બનવાનો આગ્રહ પણ કર્યો હતો, પરંતુ તેમણે આ પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો હતો. આમ તો આ દેશમાં જોવા જેવું કશું જ નહીં, પરંતુ તેનું કુદરતી સૌંદર્ય તમને શાંતિ આપે છે. આ દેશમાં એક પિન્ક રિવર પણ છે.

(4:36 pm IST)