Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

રશિયાની જૈવિક હથીયારોની લેબમાં ધડાકો

લેબમાં ઇબોલા, શીતળા અને એન્થ્રેકસના જંતુઓ મોજુદ

કોલ્તોસ્વે, સાઇબીરીયા તા. ર૧: રશિયાની જૈવિક હથીયારો માટેની પ્રયોગ શાળામાં ગેસનો બાટલો ફાટવાથી ધડાકો થયો હતો અને તેના કારણે આગ લાગી હતી. આ પ્રયોગ શાળામાં ઇબોલા, શીતળા અને એન્થ્રેકસ જેવા રોગના જંતુઓ સંગ્રહાયેલા છે.

છ માળના રશિયન સ્ટેટ સેન્ટર ફોમ રીસર્ચ ઓન વાઇરોલોજી એન્ડ બાયોટેકનોલોજીના બીલ્ડીંગના પાંચમાં માળે સોમવારે નિશ્ચિત કરાયેલ રીપેરીંગ કામ દરમ્યાન ગેસનો એક બાટલો ફાટતા ધડાકો થયો હતો એવું વેકટર તરીકે ઓળખાતી આ સંસ્થાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું.

ધડાકો થયો હતો તે સેનીટેશન ઇન્સ્પેકશન રૂમમાં કોઇ બાયોલોજીકલ મટીરીયલ મોજુદ નહોતું અને મકાનના બાંધકામને કોઇ નુકસાન નથી થયું એવું આ લેબોરેટરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

એક કામદાર દાઝી ગયો હોવાથી તેને હોસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો. રશિયાની સમાચાર એજન્સીએ જણાવ્યું હતું. આગ ૩૦ ચોરસ મીટરમાં લાગી હતી જેને ફાયર ફાઇટરો દ્વારા બુઝાવી દેવાઇ હતી.

સાઇબીરીયાના નોવોસીબીર્સ્ક વિસ્તારના કોલ્તોસ્વો ખાતે આવેલી બાયો વેપન ધરાવતી આ લેબોરેટરી વિશ્વમાં બીજા નંબરની છે. તેના સિવાયની બીજી એક માત્ર સંસ્થા અમેરિકા ખાતે આવેલી છે. દુનિયામાં શીતળાના જંતુઓ અત્યારે માત્ર આ બે સંસ્થા પાસેજ છે.

(3:30 pm IST)