Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

દુધના પૈસા નથી તો ૧૪ મહિનાની બાળકીને રોજ કોફી પીવડાવે છે માતા!

હદિઝા રોજ ૩ બેબી બોટલ કોફી પી જાય છે. જે લગભગ ૧.૫ લીટર જેટલી છે:જે એક મોટી ઉંમરની વ્યકિત માટે પણ વધારે પડતી છે

જાકાર્તા, તા.૨૧: ઈન્ડોનેશિયામાં એક માસૂમ બાળકી અંગેના વાયુવેગે પ્રસરેલા સમાચારે બધાને ચોંકાવી દીધા છે. બાળકીના માતા-પિતા એટલા ગરીબ છે કે, બાળકીને દૂધ પીવડાવવા માટે તેમની પાસે પૈસા પણ નથી. ત્યારે એક રિપોર્ટ પ્રમાણે બાળકીની માતા તેને છેલ્લા ૮ મહિનાથી દૂધના બદલે કોફી પીવડાવી રહી છે. બાળકીની ઉંમર હાલ ૧૪ મહિનાની છે.

બાળકીનું નામ હદિઝા હઉરા છે. તે પશ્યિમી સુલેવેસી વિસ્તારમાં રહે છે. હદિઝા રોજ ૩ બેબી બોટલ કોફી પી જાય છે. જે લગભગ ૧.૫ લીટર જેટલી છે, જે એક મોટી ઉંમરની વ્યકિત માટે પણ વધારે પડતી છે. હદિઝાની માતાનું કહેવું છે કે તે બાળકીને ત્યારથી કોફી પીવડાવી રહી છે જયારે તે છ મહિનાની હતી. માતાની આ વાત પરથી તે વાતનો અંદાજ લગાવી શકાય છે કે બાળકીના શરીરમાં રોજ કેટલી માત્રામાં કેફીન જાય છે.

બાળકી હદિઝા માતા અનિતા સાથે

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, હદિઝા એકદમ સ્વસ્થ છે. તેને સ્વાસ્થ્યને લગતી કોઈ ગંભીર સમસ્યા પણ નથી. તેના માતા-પિતા પણ તે વાતથી સજાગ છે કે કોફી તે બાળકના સ્વાસ્થ્ય માટે કેટલું ગંભીર પરિણામ નોતરી શકે છે. પરંતુ પૈસા ન હોવાથી મજબૂરીમાં તેઓ આમ કરી રહ્યા છે.

હદિઝાની માતા અનિતાએ કહ્યું કે, 'અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અમારી આવક એટલી ઓછી છે કે તેમાંથી દૂધ ખરીદી શકતા નથી એટલે અમે અમારી દીકરીને રોજ કોફી આપીએ છીએ. તેનું પેટ ન ભરાવાથી તે રાત્રે ઊંઘી પણ શકતી નથી.'

સુત્રોના જણાવ્યા મુજબ, અનિતા અને તેના પતિ સરફુદ્દીનની એક દિવસની કમાણી લગભગ ૧૦૦ રૂપિયા છે. બંને એક ગાર્ડનમાં નારિયેળ છોલવાનું કામ કરે છે. કયારેક તો તેમની પાસે કામ પણ હોતું નથી, એટલે પૈસાની તંગીના કારણે તેઓ પાણીમાં સસ્તી કોફી અને ખાંડ મિકસ કરીને પીવડાવે છે. સમયની સાથે હવે બાળકી પણ કોફી પીવાની આદી બની ગઈ છે.

ઈન્ડોનેશિયામાં જયારે આ વાત ફેલાઈ તો Polewali Mandar Health Agencyના અધિકારીઓ હદિઝા અને તેના માતા-પિતાને મળવા પહોંચ્યા હતા. સ્વાસ્થ્ય એજન્સીના અધિકારીઓ બાળકી માટે દૂધ અને ચોકલેટ્સ પણ લઈ ગયા. તેણે અનિતા અને તેના પતિને સમજાવ્યું કે કેફીન બાળકી માટે કેટલું ખતરનાક છે અને ભવિષ્યમાં ગંભીર નુકસાન પણ પહોંચાડી શકે છે.(૨૩.૬)

(10:13 am IST)