Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

વૈજ્ઞાનિકોએ જીવંત કોન્ક્રિટની શોધ કરીઃ તિરાડોને જાતે જ ભરી દેશે

રેતી, સિમેન્ટ, પાણી અને ખાસ પ્રકારના બેકટેરિયાની મદદથી બનાવેલ આ કોન્ક્રિટની દીવાલોમાં તિરાડો તેની જાતે જ ભરાઈ જશે

વોશિંગ્ટન, તા.૨૧:ઘર બનાવવા માટે સિમેન્ટ, રેતી, કપચીની જરૂર પડે છે પરંતુ વૈજ્ઞાનિકોએ એક એવા કોન્ક્રિટની શોધ કરી છે જે તૂટયા બાદ પોતાના મૂળ આકારમાં પાછું સંધાઇ જશે અને દીવાલોમાં પડેલી તિરાડને પણ પોતાની જાતે જ ભરી દેશે.

અમેરિકાના બોલ્ડર ખાતે આવેલી કોલોરાડો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. વિલ સ્ત્રૂબર અને તેમની ટીમે જીવંત કોન્ક્રિટની શોધ કરી છે જે પ્રકાશ, તડકા અને પાણીને ખોરાક તરીકે લઈને પોતાને વિકસિત કરવા સક્ષમ છે. રેતી, સિમેન્ટ, પાણી અને ખાસ પ્રકારના બેકટેરિયાની મદદથી બનાવેલ આ કોન્ક્રિટની દીવાલોમાં તિરાડો તેની જાતે જ ભરાઈ જશે. આ કોન્ક્રિટ બનાવવા માટે સાયનોબેકટેરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ફોટોસિંથેસિસની પ્રક્રિયા વડે પોતાને જીવીત રાખે છે. શરૂઆતમાં આ કોન્ક્રિટ લીલા રંગનો દેખાય છે અને ધીમે-ધીમે તેનો રંગ આછો પડયા બાદ તે ભૂરા રંગનો દેખાવા લાગે છે.

ડો. વિલના કહેવા પ્રમાણે બાકીના વૈજ્ઞાનિકો રેતી, સિમેન્ટ અને પાણીમાં બેકટેરિયા ઉમેરે છે જયારે તેમણે બેકટેરિયામાં રેતી, સિમેન્ટ અને પાણી ઉમેર્યું છે. વિલે બનાવેલ કોન્ક્રિટ કાર્બનનું ઓછા પ્રમાણમાં ઉત્સર્જન કરે છે અને સાથે જ ખૂબ જ ડિઝાઇનર પણ છે. આ કોન્ક્રિટને કોઈ પણ ઢાંચામાં ઢાળી શકાય છે.

વિલે બેકટેરિયામાંથી કોન્ક્રિટ બનાવવા માટે તેમાં ગરમ પાણી, રેતી અને સિમેન્ટની સાથે પોષકતત્વો અને જિલેટીન ઉમેર્યા છે. જિલેટીન ઉમેરવાથી બેકટેરિયા ઝડપથી અને મજબૂત કોન્ક્રિટ બનાવે છે. જો આ કોન્ક્રિટનો કોઈ દીવાલમાં ઉપયોગ કરવામાં આવેલો હોય અને તેમાં તિરાડ પડે તો તે પ્રકાશ અને તડકા તરફ આકર્ષિત થઈને તે તિરાડને ભરી દે છે.

વૈજ્ઞાનિકોએ આ કોન્ક્રિટ વડે બે ઇંચના કયુબ બનાવવા ઉપરાંત ચંપલના ખોખાના આકારની ઈંટો બનાવી છે અને તેને અન્ય આકારોમાં પણ ઢાળ્યું છે. બે ઇંચના કયુબ પર કૂદવા છતાં તે તૂટયો નહોતો અને આ કોન્ક્રિટની ઇંટો વડે દ્યર બનાવી શકાશે. વધારે તાપમાન કે ભેજના સંપર્કમાં આવ્યા બાદ બેકટેરિયા વિકસિત થવા લાગે છે અને એક ઇંટમાંથી પોતાની જાતે જ ત્રણ નવી ઈંટો બની શકે છે જેથી તેને લિવિંગ બિલ્ડિંગ મટીરિયલ(એલબીએમ) નામ આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં તેમાં કાચ, પ્લાસ્ટિક વગેરે પણ ઉમેરાશે.

(11:25 am IST)