Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લિફટમાં પગથી બટન દબાવશો તો કોરોના વાયરસથી બચી શકાશે ?

લિફટના બટનને સ્પર્શ કરો તો કોરોના થઇ જાય !

બેંગકોક, તા. ૨૨: કોરાના વાયરસ બાદ લોકો હવે લિફ્ટનું બટન દબાવવા માટે ચાવી અથવા નાનકડી સ્ટિકનો ઉપયોગ કરતા હોય તેવું ધ્યાનમાં આવ્યું છે. આવું કરવાથી લોકો લિફ્ટના બટનને હાથ પણ ના લગાવે અને જે માળ પર જવું હોય ત્યાં કોરોનાના ડર વિના પહોંચી શકાય. પણ, હવે થાઈલેન્ડના એક મોલમાં લિફ્ટની અંદર પગથી બટન દબાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો લિફ્ટના બટનને સ્પર્શ કરો તો કોરોના વાયરસ થઈ જાય તે પ્રકારના ડરને કારણે હવે લિફ્ટમાં પગથી બટન દબાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

થાઈલેન્ડના બેંગકોકના એક મોલમાં જ્યારે લોકો લિફ્ટમાં પ્રવેશ્યા ત્યારે ચોંકી ગયા. કારણ કે તેમની સામે બટન્સ નહીં પણ પેડલ્સ હતાં. તેઓને લિફ્ટમાં પગથી બટન દબાવવાની વ્યવસ્થા ખૂબ જ પસંદ આવી. ત્યાં હવે લિફ્ટમાં ઉપર-નીચે જવા માટે બટન દબાવવા હાથનો ઉપયોગ નહીં કરવામાં આવે.

લોકોને હવે ત્યાં લિફ્ટમાં પગથી બટન દબાવવાની વ્યવસ્થા ખૂબ જ પસંદ આવી રહી છે. તેઓ હવે વધુ સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે. કારણ કે જ્યાં લોકો લિફ્ટનો ઉપયોગ કરે છે ત્યાં હાથથી બટન દબાવતા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે લિફ્ટમાં પગથી બટન દબાવવાની વ્યવસ્થા ખૂબ જ સારી જોવા મળી રહી છે.

થાઈલેન્ડમાં હવે કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતાં લોકડાઉનના બીજા તબક્કામાં રાહત આપવામાં આવી છે. ત્યાં હવે ઘણા મોલ્સ અને ડિપાર્ટમેન્ટ સ્ટોર ખોલવામાં આવ્યા છે. થાઈલેન્ડમાં અત્યાર સુધીમાં કોરેના વાયરસના કુલ ૩૦૩૪ કેસ નોંધાય છે અને ૫૬ લોકોના મોત થયા છે.

(2:53 pm IST)