Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પેરાસિટામોલ ઓવરડોઝ લીવર માટે ખૂબ જ ઘાતક

પેનકિલર વધુ પ્રમાણમાં ન લેવાની સલાહ : આધુનિક સમયમાં લોકો તબીબોની પાસે જવાના બદલે પીડા દૂર કરવા પેરાસીટામોલ અને અન્ય દવાઓ લે છે

લંડન,તા. ૨ : શરીરમાં જુદા જુદા દુખાવાને દુર કરવા માટે લોકો આડેધડ પેરાસિટેમોલ દવા લેતા હોય છે. તબીબોની સલાહ વગર જ તાત્કાલિક આરામ મેળવવા માટે આ પ્રકારની પેનકીલર દવાનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પેરાસિટેમોલ સહિતની પેનકીલર દવાઓ ઘાતક સાબિત થઈ શકે છે.

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દિવસમાં ચાર ગ્રામની નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતા પણ વધુ પ્રમાણમાં પુખ્તવયના લોકો પૈકી એક ચતૃર્થાશ લોકો વધુ દવા લે છે જે ઘાતક સાબિત થઈ શકે છે. આ રીતે દવાનો આડેધડ અને વધુ ઉપયોગ કરતા લોકો તેમના માટે જ જુદા જુદા ખતરાઓ ઉભા કરી રહ્યા છે. આનાથી લીવરને નુકસાન થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ સમસ્યા તરફ તાત્કાલિક ધોરણે ધ્યાન આપવાની જરૂર છે. શિકાગોમાં નોર્થ વેસ્ટન યુનિવર્સિટીમાં સંશોધકોએ કહ્યું છે કે ઘણા લોકો નક્કી કરવામાં આવેલા ડોઝની સતત અવગણના કરે છે અને વધારે પડતો જથ્થો પેનકીલરનો લેતા હોય છે. કેટલાક લોકો કેટલી દવા તેઓ લઈ ચૂક્યા છે તે પણ ભૂલી જાય છે.

કેટલાક લોકો એ બાબત પણ ભૂલી જાય છે કે તેઓ બીજી દવા પણ લઈ રહ્યા છે તે નુકસાન પણ કરી શકે છે. મહત્તમ દરરોજ ભલામણ આ દવા માટે કરવામાં આવી ચૂકી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ચાર ગ્રામ પેરાસિટેમોલનું પ્રમાણ લઈ શકાય છે. દરેક ચાર કલાકના ગાળા દરમિયાન એક વખતે બેથી વધુ ટેબલેટ લેવી જોઈએ નહીં. આ લોકપ્રિય પેનકીલરનો આકસ્મિક ઓવર ડોઝ લીવર ડેમેજ કરી શકે છે. સાથે સાથે ઓવર ડોઝ લીવર ફેલિયોર માટે પણ કારણરૂપ બની શકે છે. ઉપરાંત બ્રેઇનમાં જીવલેણ ફ્લુઇડનો જથ્થો પણ જમા કરી જાય છે. આ તમામ બાબત સાબિત કરે છે કે પેરાસિટેમોલ દવાનો ઓવર ડોઝ ઘાતક સાબિત કરી શકે છે. આધુનિક સમયમાં ભાગદોડની લાઇફમાં લોકો તબીબો પાસે જવાનો સમય કાઢતા નથી તેના બદલે બજારમાં ઉપલબ્ધ જુદી જુદી પેનકીલર દવાનો ઉપયોગ કરી ચલાવે છે. આવા લોકો માટે આ અભ્યાસના તારણ ચોંકાવનારા છે.

(3:21 pm IST)