Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મોસ્કોના મ્યુઝિયમમાં ૭.૧૭ કરોડ રૂપિયાના સિંહાસન પર બેસવાનો મોકો મળી રહ્યો છે

મોસ્કો,તા.૨:રશિયાની રાજધાની મોસ્કોની ઉત્ત્।રે આવેલા આર્ટ રેસિડન્સ મ્યુઝિયમમાં પૈસાનું સિંહાસન તૈયાર કરીને એને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. યસ, અહીં લિટરલી ચલણી નોટો ખુરસીમાં ભરવામાં આવી છે. લગભગ અઢી ઇંચ જેટલા જાડા બુલેટપ્રૂફ કાચમાંથી તૈયાર કરવામાં આવેલા આ સિંહાસનમાં પૂરા ૧૦ લાખ ડોલરની કિંમતની બેન્ક-નોટ ભરવામાં આવી છે. સિંહાસનમાં ૧૦ લાખ ડોલર એટલે કે લગભગ ૭,૧૭,૫૪,૦૦૦ રૂપિયાની ચલણી નોટો છે. સામાન્ય માનવીએ તો કદી ૭ કરોડ રૂપિયા જેવી માતબર રકમ એકસાથે સપનામાં પણ નહીં જોઈ હોય, જયારે આ મ્યુઝિયમમાં તમને એ રૂપિયાની ગાદી પર બેસીને ફોટો પડાવવાનો મોકો મળી શકે એમ છે. રશિયન આર્ટિસ્ટ એલેકસી સર્જૈઇન્કોએ અબજોનો વેપાર કરનાર ઉદ્યોગપતિ ઇગોર રિબાકોવ સાથેની ભાગીદારીમાં આ તૈયાર કર્યું છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં ઇગોર રિબાકોવે જણાવ્યું હતું કે 'આ સિંહાસન પર બેસીને કોઈ જે વિચારે છે કે અનુભવે છે, તેનું દસગણું તેને મળે છે. તો જો તમે આ સિંહાસન પર બેસીને બૂરું વિચારશો તો તત્કાળ એનું દસગણું તમારી સાથે થશે.'

આ સિંહાસન ડિસ્પ્લેમાં મૂકવાનો મૂળ હેતુ રશિયામાં વધુ લોકો અમીર થાય એવી ભાવના છે. મ્યુઝિયમના મુલાકાતીઓને સિંહાસન પર બેસવાની તક આપવામાં આવે છે. લાખો ડોલરના સિંહાસન પર બેસીને પૈસાની તાકાતનો અનુભવ કરનારી વ્યકિત તેનું સંપૂર્ણ ધ્યાન પૈસા કમાવામાં કરે એવું છે. ઇગોર રિબાકોવ આ પ્રકારના ધૂની સ્ટન્ટ કરવા માટે જાણીતો છે. પોતાના પૈસાનું પ્રદર્શન કરીને તે અન્ય લોકોને નાણાકીય સફળતા મેળવવા પ્રેરિત કરે છે.

આ અગાઉ ઇગોર રિબાકોવે સેન્ટ પિટર્સબર્ગમાં યોજાયેલી એક બિઝનેસ કોન્ફરન્સમાં ૨૦,૦૦૦ ડોલર (અંદાજે ૧૪,૩૫,૦૮૦ રૂપિયા)ની નોટોનો વરસાદ ઓડિયન્સ પર કર્યો હતો, જે કોન્ફરન્સમાં ભાષણ આપવા માટે તેને મળનારી રકમના ૨૦ ટકા જેટલા હતા. ઇગોર રિબાકોવ સફળ બિઝનેસ પરનાં પુસ્તકોનો લેખક છે તેમ જ એક પરોપકારી અને દાનેશ્વરી વ્યકિત મનાય છે. વ્લાદિમીર પુતિનના સમયમાં અબજોપતિ બનનારા ૧૦૦ કરતાં વધુ રશિયનમાં તેનો સમાવેશ છે.

(3:20 pm IST)