Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

દુર્લભ બીમારીને કારણે પોલકાં-ડોટ ધરાવતું બેબી ઝિબ્રા જોવા મળ્યું કેન્યામાં

લંડન તા. ર૦: સામાન્ય રીતે ઝિબ્રાના શરીરે સફેદ અને કાળા ચટાપટા હોય છે. જોકે આફ્રિકાના એક સફારી પાર્કમાં જાણે પોલકાં-ડોટ્સ લાગ્યાં હોય એવું બેબી ઝિબ્રા જોવા મળ્યું હતું. ટૂર ગાઇડ અને ફોટોગ્રાફર એન્ટોની ટીરાએ જયારે પહેલી વાર આ ઝિબ્રા જોયું ત્યારે પહેલાં તેને વિશ્વાસ જ ન થયો કે આ રિયલ હોઇ શકે. તેને લાગેલું કે કોઇકે એને પેઇન્ટ કરી દીધું લાગે છે. જોકે તેની તસવીરો વાઇરલ થયા પછી આ બચ્ચાંની એક ઝલક જોવા માટે પ્રાણીપ્રેમી લોકો અભ્યારણ્યના ચકકર કાપતા થઇ ગયા છે. હકીકત એવી છે કે આ બચ્ચાંને મેલનિઝમ નામની દુર્લભ બીમારી છે જેને કારણે તેની ત્વચાના રંગમાં માત્ર નાના-નાના સ્પોટ્સ જ દેખાય છે. મોટા ભાગે આ બીમારી સસ્તન અને ઉભયજીવી પ્રાણીઓમાં વધુ જોવા મળે છે. વાઇલ્ડલાઇફ નિષ્ણાત પાર્મેલ લેમેનના કહેવા મુજબ આવી બીમારી આફ્રિકાના પાર્કમાં ઘણી વાર જોવા મળી છે, જોકે આનો ભોગ બનેલાં પ્રાણીઓ છ મહિનાથી વધુ જીવી નથી શકતાં.

(3:27 pm IST)