Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મેનોપોઝ પછીની બીમારીઓને મહિલાઓ ઊગતી ડામી શકે છે

લખનો તા.૨૦: મહિલાઓને પચાસ વર્ષની ઉંમર પછી એસ્ટ્રોજન હોર્મોનનો સ્ત્રાવ બંધ થતાં સ્થુળતા, હદયરોગ અને ડાયાબિટીઝ જેવી બિમારીઓ થવાની શકયતા પુરૂષોની સરખામણીમાં વધારે રહે છે. લખનઉની કિંગ જયોર્જ મેડિકલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિયોલોજીના સંશોધન મુજબ એ બીમારીઓને પેદા થતાં પહેલા નિવારી શકાય છે. છ વર્ષના સંશોધનમાં પ૨૦ મહિલાઓના આરોગ્યની તપાસ બાદ બિમારીઓ રોકવાની થેરપી શોધાઇ હતી. સ્ત્રીઓને ૪૫ થી ૫૦ વર્ષની ઉંમરની આસપાસ પેરી મેનોપોઝ આવે છે. એ વખતે મહિલાઓના પિરિયડ્સ બંધ થવાની સાથે રકતકોશોને ફરી મુળ સ્થિતિમાં લાવતા એસ્ટ્રોજન હોર્મોનનો સ્ત્રાવ પણ બંધ થાય છે. એ સંજોગોમાં અનેક બિમારીઓ થવાની શકયતા રહે છે, પરંતુ ૪૫થી ૫૦ વર્ષની ઉંમરમાં લોહી તથા અન્ય બાબતોની તપાસ કરાવતાં આરોગ્યને કોઇ જોખમો હોય તો એના ખ્યાલ આવી શકે છે. એ જોખમોના અણસારો મળે તો આગોતરાં પગલાં લઇ શકાય છે. પેરી મેનોપોઝ દરમ્યાન એડીપોનેકિટન અને લેપ્ટિન નામના અન્ય હોર્મોન્સમાં પણ ફેરફાર થાય છે. એ બે હોર્મોન્સની તુલના ખોરવાય તો આરોગ્યને નુકસાન થાય છે. એ સમયે યોગાસનો કરવા ઉપરાંત આહારમાં સમતુલા જાળવવામાં આવે તો બીમારીને આગળ વધતી રોકી શકાય છે. એ બે હોર્મોન્સમાં સહેજ પણ અસમતુલા થાય તો લોહીની તપાસમાં જાણી શકાય છે.

(2:58 pm IST)