Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ચીનમાં મન્કી બી નામના વાયરસે દુનિયાના બારણે ટકોરા માર્યા હોવાની માહિતી:બૈજિંગમાં એક શખ્સનું મોત

નવી દિલ્હી: ચીનમાંથી પ્રસરેલા કોરોના વાયરસે વેરેલો વિનાશ હજી અટક્યો નથી ત્યાં મન્કી બી નામના એક નવા વાયરસે દુનિયાના બારણે ટકોરા માર્યા છે. કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો, જ્યારે આ નવા ઘાતક વાયરસથી બૈજિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. અહીંના એક પશુ ચિકિત્સકનું મોત આ વાયરસનો ચેપ લાગવાથી થયું, જેને ચીને પુષ્ટિ આપી છે. ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના હવાલા સાથે અહીંના ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત રિપોર્ટમાં જણાવાયું છે કે ઉપરોક્ત દર્દી પશુ ચિકિત્સકના ઇલાજ માટે કેટલીય હોસ્પિટલોમાં કોશિશ કરાઇ, પરંતુ ગઇ તા.27 મેએ એમનું મોત થયું. આ અગાઉ, ચીનમાં મન્કી બી વાયરસનો કોઇ કેસ નોંધાયો નથી. અર્થાત્ પશુ ચિકિત્સકનો કેસ મન્કી બી વાયરસથી થયેલા પ્રથમ માનવ ચેપનો કેસ છે. ગ્લોબલ ટાઇમ્સમાં જણાવાયાનુસાર, ઉપરોક્ત 53 વર્ષીય પશુ ચિકિત્સકે માર્ચની શરૂઆતમાં બે મૃત વાંદરાનું ડિસ્સેકશન કર્યું હતું. એના એક મહિના પછી એમની તબિયત બગડવા માંડી હતી. એમને ઊલટી શરૂ થઇ હતી. એપ્રિલમાં ડોકટરની તબિયતની તપાસ માટે એમના શરીરમાંથી સેરેબ્રોસ્પાઇનલ ફલુઇડનો નમૂનો લેવામાં આવ્યો, જેના રિપોર્ટમાં મન્કી બી વાયરસ હોવાના મુદ્દાને સમર્થન મળ્યું હતું.

(5:17 pm IST)