Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

તમે લેફટી છો? તો મૂડ- ડિસઓડર્સ માટેની દવા લેતાં પહેલાં વિચાર કરજો

લંડન તા.૨૦: મૂડ-ડિસઓર્ડર્સ કે માનસિક સ્વાસ્થય સાથે સંકળાયેલા રોગોની હવે ઘણી બહોળી સારવાર ઉપલબ્ધ થવા લાગી છે જોકે આ સારવાર ડાબોડીઓ માટે જોખમી બની શકે છે એવું અમેરિકાના નિષ્ણાંતોનું કહેવું છે. કોર્નેલ યુનિવર્સિટીના ન્યુરોસાયન્ટિસ્ટોનું કહેવું છે કે માનસિક રોગોની સારવા માટેની દવાઓ ડાબોડીઓ પર ઘણી વાર બેઅસર હોય છે એટલું જ નહીં, કેટલાક લોકોને તો એનાથી નુકશાન પણ થઇ શકે છે. ૧૯૭૦ની સાલથી અનેક અભ્યાસોમાં કહેવાયું છે કે મગજના ડાબા અને જમણા ગોળાર્ધમાં ચોક્કસ પ્રકારના ઇમોશન્સ પેદા થાય છે. હેપીનેસ, ગર્વ, ગુસ્સો જેવાં ઇમોશન્સ ડાબી બાજુના મગજમાંથી પેદા થાય છે જયારે ડર, ઘૃણા જેવા એન્ટિ-સોશ્યલ ઇમોશન્સ જમણી બાજુના મગજમાંથી પેદા થાય છે. અલબત્ત, આ પ્રકારના અભ્યાસો મોટા ભાગે રાઇટી લોકો પર જ કરવામાં આવ્યા છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ડાબોડી લોકોના મગજમાં વિવિધ ઇમોશન્સનો ઉદભવ જુદા ગોળાર્ધમાં પણ થઇ શકે છે. કેટલાક ડાબોડીઓમાં જોવા મળ્યું છે કે અલર્ટનેસ અને દ્રઢતાનાં મુળ જમણી બાજના મગજમાં હોય છે. એનો મતલબ એ કે ડાબોડી લોકોના મગજમાં ચેતાતંતુઓનું નેટવર્ક રાઇટી લોકો કરતાં જુદી રીતે કામ કરતું હોવું જોઇએ. મૂડ અને માનસિક રોગો માટે શોધાયેલી મોટા ભાગની દવાઓ રાઇટી લોકો પર જ ટ્રાયલ થયેલી હોય છે એને કારણે જો આવી દવાઓ ડાબોડીઓ દ્વારા લેવામાં આવે તો બની શકે કે તેમને એની અસર ન થાય અથવા તે એની આડઅસર પણ થાય. (૧.૧૩)

(3:48 pm IST)