Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

આફ્રિકાના એક ગામમાં લોકો આરામથી મગરની પીઠ પર બેસીને રમે છે

લંડન, તા.૨૦: આફ્રિકન દેશ બુર્કિના ફાસોની રાજધાનીથી ૩૦ કિલોમીટર દૂર આવેલું બઝૂલ નામનું ગામ મગરો માટે જાણીતું છે. આ ગામની ભાગોળે આવેલા તળાવમાં લગભગ ૧૦૦ જેટલા ક્રોકોડાઇલ્સ રહે છે. નવાઇની વાત એ છે કે તળાવના કિનારે બહાર આવીને પડેલા મગરોને લોકો દોરી પર ચિકન બાંધીને જાતે ખવડાવે પણ છે. ગામના લોકોની આ મગરો સાથે એટલી સારી દોસ્તી છે કે એના પર ગામના છોકરાઓ આરામથી બેસી કે સૂઇ જાય છે. આ વિસ્તારમાં મગર સાથે દોસ્તીનો સિલસિલો કંઇ આજકાલનો નથી, છેક પંદરમી સદીથી અહીં રહેતા લોકો મગર સાથે આવી સહજ દોસ્તી ધરાવે છે. એવું કહેવાય છે કે સદીઓ પહેલાં જયારે ગામમાં દુકાળ પડયો ત્યારે આ મગરો ગામની સ્ત્રીઓને દૂર સુધી દોરી ગયેલાં જયાં પાણીનો છૂપો ખજાનો હતો એ પાણીએ ગામલોકોને બચાવી લીધેલા. ત્યારથી ગામલોકો ક્રોકોડાઇલનો આભાર માનવા માટે દર વર્ષે ખાસ તહેવાર મનાવે છે. અન્ય પ્રાણીનો બલિ આપીને મગરોને ધરે છે. અને ગામ માટે સુખ, સેહત અને સમૃદ્વિ માગે છે. હવે મગર અને માણસ વચ્ચેનો આ અદભુત સંબંધ જોવા માટે ખાસ ટૂરિસ્ટો અહીં આવતા થયા છે. સહેલાણીઓ અહીં ચિકન ખરીદીને લાકડી પર બાંધીને મગરને ખવડાવતી તસ્વીરો પડાવે છે. (૨૩.૯)

(3:48 pm IST)