Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

નવજાત શિશુને વિટામીન Dનો હાઇ ડોઝ આપવાની જરૂર નથી

લંડન તા.૨૦: બાળક જન્મે એ વખતે હાડકાં ખુબ જ પોચાં અને સોફટ હોય છે. નવજાત શિશુઓના સ્વસ્થ વિકાસ માટે વિટામીન ડીના ડોઝ આપવામાં આવે છે એ બિનજરૂરી છે એવું ફિનલેન્ડના અભ્યાસકર્તાઓનું કહેવું છે. અભ્યાસકર્તાઓનું કહેવું છેકે બાળક બે વર્ષથી નાનું હોય ત્યારે એને વિટામીન ડીના સપ્લિમેન્ટ્સનો હાઇ ડોઝ આપવાથી કોઇ જ ફાયદો નથી થતો. એ ખરું કે હાડકાંને મજબુત બનાવવા માટેનું કેલ્શિયમ શરીરમાં શોષાય એ માટે આ વિટામીન બહુ જરૂરી છે. જોકે ત્વચા સુર્યપ્રકાશના સંસર્ગમાં આવે એટલે કુદરતી રીતે આ વિટામીન આપણું શરીર પેદા કરે છ. જો પુરતી માત્રામાં આ વિટામીન ન મળે તો હાડકાં નબળાં રહી જાય અને રિકેટ્સ જેવો રોગ બાળકને થઇ શકે છે. અમેરિકન મેડિકલ એસોસિએશન પીડિયાટ્રિકસમાં છપાયેલા અભ્યાસમાં ફિનલેન્ડના ૯૭૫ હેલ્ધી નવજાત શિશુઓ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. એક ગ્રુપનાં બાળકોને ડેઇલી ડોઝ મુજબ આ વિટામીનનાં ૪૦૦ યુનિટ્સ આપવામાં આવ્યાં હતાં જયારે બીજા ગ્રુપના બાળકોને ૧૨૦૦ યુનિટ્સ આપવામાં આવ્યાં. છ મહિનાના અંતે બન્ને ગ્રુપનાં બાળકોનાં હાડકાંની સ્ટ્રેન્ગ્થ તપાસવામાં આવી તો જોવા મળ્યું હતું કે બધાં જ બાળકોનાં હાડકાંની મજબુતાઇ લગભગ એકસરખી જ છે. વધુ વિટામીન સપ્લિમેન્ટ્સ આપવાથી નવજાત શિશુઓને કોઇ વિશેષ ફાયદો થયો હોય એવું પણ નહોતું. (૧.૧૭)

(3:46 pm IST)