Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોને ફેકટરીઓમાં કામ કરવા માટે વેચવામાં આવી રહ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ઉઈગર મુસ્લિમો વિરૂદ્ધ ચીન હંમેશા નવી નવી પદ્ધતિઓ અપનાવતું રહ્યું છે. તાજેતરના એક અહેવાલ પ્રમાણે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમોને ફેક્ટરીઓમાં કામ કરવા માટે વેચવામાં આવી રહ્યા છે. આ માટે ઓનલાઈન જાહેરાતો પણ આપવામાં આવી રહી છે. ચીનની સૌથી મોટી ઈન્ટરનેટ કંપની જે ગૂગલની જેમ સર્ચ એન્જિન છે તે Baidu પર 50થી 100ના જૂથમાં ઉઈગર મુસ્લિમોને વેચવા માટે અનેક ડઝન જાહેરાતો જોવા મળી છે. અનેક બ્રિટિશ સાંસદોએ ચીનમાં થઈ રહેલી આ પ્રકારની ઘટનાઓની ટીકા કરી છે. બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ નુસરત ગનીએ ચીનના આ પગલાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. બ્રિટનમાં વેલ્ડનના સાંસદ નુસરત ગનીએ જણાવ્યું કે, ઉઈગરો જાણે ગુલામો હોય તેમ તેમની હરાજી થઈ રહી છે જે ભયાનક છે. શિનજિયાંગ પ્રાંતના ઉઈગર મુસ્લિમોને સ્થાનિક પ્રશાસનના રાજકીય મોનિટરિંગમાં રાખવામાં આવેલા છે અને કામ દરમિયાન તેઓ અર્ધ સૈન્ય મેનેજમેન્ટ અંતર્ગત હોય છે. શિનજિયાંગ સરકારે ઉઈગરો સાથે સંકળાયેલા 2019ના રિપોર્ટમાં કહ્યું હતું કે, બાયડુમાં જે પ્રકાશિત થયું તે તેમના 5 વર્ષના 'શ્રમ હસ્તાંતરણ કાર્યક્રમ' અંગેની વાત છે. તેમના મતે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉઈગરોને રોજગાર આપવાનો છે. જો કે, માનવાધિકાર સંગઠનો હંમેશા ઉઈગરોની સ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરે છે અને તેમના મતે ચીનમાં ઉઈગરો પાસે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે છે.

(6:05 pm IST)