Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

વધારે બેસવાની આદતથી ગુમાવી શકો છે યાદશક્તિ

ભલવાની બીમારી થવાનો ખતરો વધી જાય છે : ૪૦ની ઉંમર પાર કરી ચૂકેલા લોકો માટે આ ટેવ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે : રિપોર્ટમાં દાવો

નવી દિલ્હી, તા.૨૦ : વધારે સમય બેસી રહેવું એ તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ૪૦ની ઉંમર પાર કરી ચૂકેલા લોકો માટે આ ટેવ ખૂબ જ નુકસાનકારક હોય શકે છે. એક રિસર્ચ રિપોર્ટમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. આ રિસર્ચમાં કહેવાયું છે કે મિડલ એજ એટલે કે ૫૦ વર્ષની આસપાસના લોકોમાં એકધારા બેસી રહેવાની ટેવથી ડિમેંશિયા એટલે કે ભૂલવાની બીમારી થવાનો ખતરો વધી જાય છે.

રિસર્ચર્સે શોધમાં શારીરિક સક્રિયતા ઉપરાંત તેમના બેસવાના સમય વિશે સવાલ કર્યાં હતાં. આ ઉપરાંત દરેક વ્યક્તિના મગજનું એમઆરઆઈ સ્કેન કરીને માહિતી એકઠી કરવામાં આવી હતી. જ્યાં નવી મેમરિઝ સંગ્રહિત થતી હોય છે. રિસર્ચર્સને સંશોધનમાં એ વાત જાણવા મળી કે આરામદાયક જીવનશૈલી ધરાવતાં લોકોના મગજનો તે ભાગ ખૂબ પાતળો હતો. આ તેમની યાદશક્તિ ક્ષીણ થવાનો સંકેત હતો. આ સાથે જ આ બાબત ડિમેંશિયા તરફ ઈશારો કરતી હતી. ડિમેંશિયામાં દર્દીની યાદશક્તિ જવા ઉપરાંત તેના વ્યવહારમાં પણ પરિવર્તન થાય છે. રિસર્ચર્સનું કહેવું હતું કે વધુ પડતી બેઠાડું જીવનશૈલી છોડીને શારીરિક સક્રિયતા વધારીને ડિમેંશિયા અને અલ્ઝાઈમર્સ જેવા રોગથી બચી શકાય છે. આ ઉપરાંત કેટલાક અન્ય ઘરગથ્થુ ઉપચારથી પણ બચી શકાય છે. ખાંડમાં કાર્બોહાઈડ્રેટ, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ, તેમજ વધુ પડતું મીઠું ખાવાથી બચવું જોઈએ. ખાંડથી મગજની અમુક નસ નબળી પડે છે. જેથી તમારી યાદશક્તિ પર અસર પડે છે. હળદર ખૂબ ખાવી જોઈએ. હળદરમાં કર્કુમિન હોય છે. જે ડિમેંશિયા રોકવામાં મદદગાર સાબિત થાય છે. નારિયેળનું તેલ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સાથે જ તે મગજ માટે પણ ખૂબ જ લાભદાયી છે. યાદશક્તિ વધારવામાં નારિયેળના તેલની મહત્વની ભૂમિકા હોય છે.

(12:22 pm IST)