Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ચીઝના ટુકડાને સાબુ સમજીને આ બહેન એનાથી હાથ ધોતાં રહ્યાં

વાનકુંવર,તા.૨૦: કહેવાય છે કે ચીઝ કોઈ પણ વસ્તુ સાથે સૂટ થઈ જાય. એ પીત્ઝા, પાસ્તા, રેડ વાઇન હોય કે ક્રેકર્સ. જોકે એનો ટુકડો કંઈ હાથ ધોવા માટે કામ ન લાગે.

વાત એમ છે કે કેનેડાના વાનકુવરમાં રહેતી મિલી નામની એક સોશ્યલ મીડિયા યુઝરે હાથમાં પીળા કલરનું ચોસલું પકડી રાખ્યું હોય એવો ફોટો શેર કર્યો છે.

જેની નીચે રમૂજી કેપ્શન લખી છે, 'હમણા જ મને જાણ થઈ કે આ પીળા કલરની વસ્તુથી મારો હાથ સાફ કેમ નથી થઈ રહ્યો, કેમ કે એ સાબુ નહીં, ચીઝનો ટુકડો છે.'

આ પોસ્ટને ૭૬૦૦ કરતાં વધુ લોકોએ જોઈ છે અને ૨૨૦ કરતાં વધુએ એના પર ટિપ્પણી કરી છે.

મિલી જણાવે છે કે 'હું ઘરમાં જ રહી હતી અને વાઇરસથી છુટકારો મેળવવા માટે સાબુથી હાથ ધોવા માગતી હતી.

ઘરમાં એક જગ્યાએ ઓરેન્જ કલરની દેખાતી વસ્તુને મેં સાબુ માનીને સતત એનાથી હાથ ધોઈ રહી હતી. આનાથી હાથ ધોવા છતાં ફીણ થતાં ન હોવાથી મને શંકા જાગી ત્યારે સાબુ નહીં, પણ ચેડર ચીઝનો ટુકડો હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું.'

આ બહેનની આવી પોસ્ટ પછી સોશ્યલ મીડિયા-યુઝર્સને હજી માનવામાં નથી આવતું કે કોઈ વ્યકિત ચીઝને સાબુનો ટુકડો માનીને હાથ કઈ રીતે ધોવા માંડે?

(4:09 pm IST)