Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

યમનમાં સેનાના કેમ્પ પર આતંકવાદીઓનો હુમલો: 100 સૈનિકો શહીદ થયા

નવી દિલ્હી: સેન્ટ્રલ યમનમાં હુથી આતંકવાદીઓએ કરેલા ડ્રોન અને મિસાઇલ હુમલામાં ૧૦૦ કરતાં વધુ સૈનિકો માર્યા ગયા હતા અને એક સો ઉપરાંત સૈનિકો ઘાયલ થયા હતા, એમ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું. સાઉદી એરેબિયાના નેતૃત્વ હેઠળની સેના અને યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકાર અને ઇરાનનું પીઠબળ ધરાવતા આતંકીઓ વચ્ચે મહિનાઓ સુધી શાંતિ રહ્યા પછી શનિવારે અચાનક જ હુમલો કરાયો હતો.પાટનગર સનાથી આશરે ૧૭૦ કિમી દૂર મારિબમાં આવેલા લશ્કરી કેમ્પમાં આવેલી મસ્જિદ પર આતંકીઓએ સાંજની નમાઝ દરમિયાન હુમલો કર્યો હતો, એમ સેનાના સૂત્રોએ કહ્યું હતું.

મારિબ શહેરની હોસ્પિટલના સૂત્રો અનુસાર, હુથી આતંકીઓના હુમલા પછી અહીંયા ૧૪૮ ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા અને ૧૦૦ મૃતદેહ લાવવામાં આવ્યા હતા. યમનમાં ચાલતી લડાઇના મૃત્યના આંકડાઓ ઘણી વખતે ખોટા પણ હોય છે, પરંતુ મારિબમાં થયેલી ખુવારી ૨૦૧૪માં આતંકીઓએ પાટનગર સના પર કબજો કર્યા પછી બંને જુથો વચ્ચે લડાઇ શરૂ થઇ ત્યાર પછીની સૌથી મોટી ખુવારી હતી.

(6:38 pm IST)