Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સેકન્ડ હેન્ડ સૂટકેસમાંથી મળેલા ૩૦ લાખ રૂપિયા ખરીદદારે મૂળ માલિકને પાછા સોંપ્યા

ન્યૂયોર્ક તા. ૨૦ : અમેરિકાના સેન્ટ્રલ મિશિગનના રહેવાસી હોવર્ડ કિર્બીને ગયા મહિને એક અદ્ભૂત અને આશ્ચર્યજનક અનુભવ થયો હતો. સેકન્ડ હેન્ડ શોપિંગ સેન્ટરમાંથી ખરીદી કરવા ગયેલા હોવર્ડે એક સેકન્ડ હેન્ડ સૂટકેસ પણ ૪૯૭૩ રૂપિયામાં ખરીદી હતી. થોડા દિવસ બાદ તેમની પુત્રીએ જયારે બેગ ખોલી તો એમાંથી ૩૦ લાખ ૫૪ હજાર રૂપિયાની રોકડ રકમ નીકળી.

પહેલાં તો હોવર્ડ કિર્બીને સૂટકેસનાં નાણાં પોતાને કેટલાં કામમાં આવી શકે અને પોતાની કેટલી મુશ્કેલીઓ દૂર થઈ શકે એનો વિચાર આવ્યો. તેના વકીલે પણ કહ્યું કે જો તમે આ રકમ રાખી પણ લો તો તમારા પર કોઈ કેસ થઈ શકે નહીં, પણ બીજી જ પળે તેને વિચાર આવ્યો કે જો મારી આટલી મોટી રકમ ખોવાઈ જાય તો મને કેટલું દુઃખ થાય, કેટલી તકલીફ પડે એટલે તેણે એ રૂપિયા તેના મૂળ માલિકને પહોંચાડવાનો નિર્ણય લીધો અને સેકન્ડ હેન્ડ શોપિંગ સેન્ટરના માલિકને બેગ પાછી આપી દીધી. સ્ટોરના માલિકે પણ હોવર્ડ કિર્બીની ઈમાનદારીની પ્રશંસા કરીને બેગ તેના અસલી માલિકને પહોંચાડવાનો નિર્ણય લીધો.

તપાસ કરતાં ખબર પડી કે આ બેગ ન્યુબરીમાં રહેતા એક પરિવારની હતી. ગયા વર્ષે સૂટકેસના માલિકનું મૃત્યુ થતાં તેમણે ખોલીને ચેક કર્યા વિના જ આ સૂટકેસ સેકન્ડ હેન્ડ શોપિંગ સેન્ટરને દાન કરી દીધી હતી. સેકન્ડ હેન્ડ શોપિંગ સેન્ટર જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરે ચીજો ઉપલબ્ધ કરી આપે છે.

(3:47 pm IST)