Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ઓસ્ટ્રેલિયામાં નવા નિયમ જાહેર

ઓસ્ટ્રેલીયામાં સળગતી સિગારેટના ઠુઠિયા ફેંકવા પર ૫-૧૦ હજાર નહીં પૂરા ૫ લાખનો દંડ

સીડની, તા.૨૦: ઓસ્ટ્રેલિયામાં આગ એક ખૂબ જ મોટો મુદ્દો બની ગયો છે. જેના કારણે ૫૦ કરોડથી વધુ પ્રાણીઓ અને સેંકડો પરિવાર બેદ્યર બની ગયા છે. તેમજ આ આગના કારણે ૨૫ લોકોના જીવ પણ ગયા છે. જેમાં ફાયર ફાયટર્સ પણ સામેલ છે. જોકે હવે આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં મુખ્ય યોગદાન તો વરસાદનું રહ્યું છે. જોકે હવે સફાળી જાગેલી સરકારે ઓસ્ટ્રેલિયામાં નવા નિયમ જાહેર કરી દિધા છે. જેમાં કારમાંથી સળગતી સીગરેટનું ઠુઠિયા ફેકવા પર ૧૧૦૦૦ ડોલરનો દંડ કરવામાં આવશે.

આ નવો નિયમ ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં શુક્રવારે લાગુ કરવામાં આવશે. આ નિયમ કારમાં પ્રવાસ કરતા દરેક વ્યકિત પર લાગુ પડશે. નવા નિયમ મુજબ જો કારમાં બેઠેલ વ્યકિત મુસાફર હશે તો તેના પર પણ આ ગુના માટે ૧૩૨૦ ડોલર એટલે કે ૧ લાખ રુપિયા દંડ કરવામાં આવશે.

તેમજ ટોટલ ફાયર બેન એટલે કે જયારે વાતાવરણ ખરાબ હોય અને આગ ભડકી નીકળવાના ચાન્સ વધુ હોય ત્યારે ખાલ લાગુ પાડવામાં આવતા આ કાયદા અંતર્ગત જયારે પણ ફાયર બેન લાગુ કરવામાં આવે ત્યારે ખુલ્લામાં આગ પેટાવતા, કેમ્પ ફાયર કરતા લોકો પાસેથી પણ દંડની મોટી રકમ વસૂલ કરવામાં આવશે. જોકે એ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે ફાયર બેન લાગુ નહીં હોય ત્યારે આવું કરતા લોકો માટે કેટલો દંડ લગાડવામાં આવશે.

ન્યુ સાઉથ વેલ્સના રુરલ ફાયર સર્વિસ એસોસિએશનના અધ્યક્ષ બ્રાયન મેકડોનોએ સરકારના આ પગલાને યોગ્ય ગણાવ્યું છે. એકલા ૨૦૧૯માં જ ન્યુ સાઉત વેલ્સમાં ૨૦૦થી વધુ લોકોનો પોતાની કારમાંથી સળગતી સિગરેટના ઠુઠિયા નાખવા માટે પકડવામાં આવ્યા હતા.

દંડ ઉપરાંત અપરાધીઓને તેમના લાઈસન્સ પર ૧૦ ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવશે. તેમજ ફાયર બેન નહીં હોય ત્યારે આવું કરતા પકડાયેલા લોકોને ૫ ડિમેરિટ પોઈન્ટ અપાશે. એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાની આ આગમાં નુકસાન પામેલા જંગલોને ફરી પાછા એ જ રૂપમાં આવવા માટે ૧૦૦ વર્ષ જેટલો સમય લાગી શકે છે.

(3:43 pm IST)