Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

મકાન માલિકે ભાડુઆત માટે રાખી એવી શરત કે થઇ ગઈ સોશિયલ મીડિયામાં વાયરલ

જાહેરાત જોયા પછી દરેક લોકો કહે છે કે આવી જાહેરાત કોણ કરે ?

લંડન તા. ૧૯ : આપણે સૌ કોઈ બીજા શહેરમાં ધંધા કે નોકરી માટે જતા હોય છે ત્યારે સૌથી અઘરી વસ્તુ હોય તો તે છે ભાડા પર ઘર શોધવું. ભાડા પર ઘર શોધવામાં બહુ જ સમય લાગે છે તો ઘણીવાર અજાણ્યું શહેર હોય તો કોઈ ઓળખતું પણ ના હોય. તો સૌથી અગત્યનું હોય તો તે છે મકાન તો મળી જાય છે પરંતુ મકાનમાલિકની શરત તમારી મુશ્કેલી વધારી દે છે.

હાલમાં ઇંગ્લેન્ડના નોર્થ મેન્ચેસ્ટરમાં એક મકાનમાલિકની શરતો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. મકાન માલિકે તેના ઘરને ભાડા પર આપવા માટે એવી શરતો મૂકી છે કે જે જાણીને તમારો મગજ ચકકરાવે ચડી જશે.

નોર્થ માન્ચેસ્ટરના આ મકાનમાલિકે જાહેરાત બહાર પાડી છે. જે મુજબ, તે તેના ઘરના ત્રણ રૂમમાંથી એક રૂમ ભાડે આપવા માંગે છે. જોકે, આ માટે મકાનમાલિકે આવી વિચિત્ર શરત મૂકી છે, જેના વિશે તમે ભાગ્યે જ કોઈ મકાનમાલિકના મોઢેથી સાંભળ્યું હશે. આ એક રૂમની જાહેરાત હવે સોશિયલ ડિસ્કશન ફોરમ રેડિટ પર વાયરલ થઈ રહી છે. આ જોયા પછી દરેકને આશ્ચર્ય થાય છે.

મકાનમાલિકે ખાસ શરતો સાથે ભાડૂઆત માટે જાહેરાત બહાર પાડી છે. જેમાં તેણે સૌથી પહેલા રૂમ અને રસોડાનું ભાડુ ૯૪૫ પાઉન્ડ એટલે કે ૯૭ હજાર રૂપિયા રાખ્યું છે. મકાનમાલિકની શરતો અનુસાર, ભાડૂઆત માટે પ્યોર વેજિટેરિયન હોવો હોવું જરૂરી છે, કારણ કે મકાનમાલિક નોન-વેજ ખાતા નથી. તેથી જ તે રસોડામાં નોન-વેજ રસોઇ કરી શકશે નહીં. હદ તો ત્યારે થઈ જયારે મકાનમાલિકે મ્યુઝિક સિસ્ટમ અને ટીવી જોવાનો સમય પણ નક્કી કર્યો છે.

જાહેરાત મુજબ, ભાડૂઆત રાતે ૯.૩૦ વાગ્યા પછી સંમ્યુઝિક વગાડી શકશે નહીં. આ સિવાય તે રાત્રે ૮ વાગ્યા પછી સ્નાન પણ કરી શકશે નહીં. રસપ્રદ વાત એ છે કે, મહેમાન આવે તો પણ તેને રાત્રે ૮ વાગ્યા પછી બાથરૂમનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. તે જ સમયે વાઇફાઇનો ઉપયોગ કરવા માટે સાડા સાત હજાર રૂપિયા અલગથી ચૂકવવા પડશે. આ સાથે ભાડૂઆત કોઈ પણ પ્રકારનું પાલતુ જાનવરપોતાની સાથે રાખી શકે નહીં.

જાહેરાતના અંતમાં મજેદાર વાત લખી છે. મકાનમાલિકે લખ્યું છે કે, હંમેશા ધ્યાનમાં રાખો કે આ તમારું નથી, પણ મારૂ ઘર છે. તેથી તમારે બધા નિયમોનું પાલન કરવું પડશે. રેડિટ પર આ જાહેરાત સામે આવ્યા બાદ લોકો પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકએ લખ્યું છે કે આવી જાહેરાત કોણ કરે ?

(10:12 am IST)