Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

તમારી ઓફીસમાં આ પ જગ્યાઓ હોય છે જંતુઓથી ભરપુર

બચવા માટે આટલું કરો

કામની જગ્યાઓ સુધી પહોંચવામાં તમે જંતુઓથી ભરપુર એવી ઘણી જગ્યાના સંપર્કમાં આવો છો. ટ્રેન અને બસની જેમજ તમારા ઓફીસ કે ઘરની સીડીની રેલીંગ અને દરવાજાના હેન્ડલ પર એટલા જ જંતુઓ હોય છે. પણ તમે તમારી કામની જગ્યાની ખુરશીએ બેઠા પછી પણ જંતુઓથી છુટકારો નથી થતો.

જયાં એક જ સપાટીને ઘણા બધા લોકો સ્પર્શ કરતા હોય તે જગ્યાએ સૌથી વધુ જંતુઓ હોય છે અને તમારી ઓફીસ પણ તેમાં અપવાદ નથી. આનાથી બચવાનું મુખ્ય કામ છે અવાર નવાર હાથ ધોઇ લેવા. અહીં તમારી ઓફીસની પાંચ જગ્યાઓની માહિતી અપાઇ છે જે જંતુઓથી ભરપુર હોય છે.

(૧) લીફટના બટન અને એસ્કેલેટરની રેલીંગ

ન્યુયોર્ક યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી અને ઇમ્યુનોલોજી વિભાગના ડાયરેકટર ફીલીપ ટીએર્નો અનુસાર બીજા માળથી ઉપરના માળે જનાર દરેક વ્યકિત લીફટ અથવા એસ્કેલેટરનો ઉપયોગ કરે છે. એટલે લીફટના બટન અને એસ્કેલેટરની રેલીંગ પર ઘણા બધા જંતુઓ હોય છે. ઉપરાંત એસ્કેલેટરની રેલીંગ પર રબ્બરનું કવર હોય છે અને તેની પુરતી સાફ સફાઇ ન થતી હોવાથી ત્યાં જંતુઓ ભેગા થતા હોય છે.

(ર) ઓફીસનો દરવાજો

ટીએર્નો કહે છે કે દરવાજના હેન્ડલ અને નોબ પણ જંતુઓ માટે ઘર સમાન છે. એમાં પણ સ્પીંગ ડોરને તો વારંવાર ખોલ બંધ થતા હોવાથી સૌથી વધુ ઉપયોગ થાય છે.

(૩) કી બોર્ડ અને માઉસ

અમેરીકન જર્નલમાં પ્રસિધ્ધ થયેલા એક અભ્યાસમાં લેખકોએ જણાવ્યું હતું કે કી-બોર્ડ અને માઉસ પર મોટી સંખ્યામાં જંતુઓ જોવા મળ્યા હતા. આના ઉપાય તરીકે તેને ડીસ ઇન્ફેકટન્ટ વાઇપથી અવાર નવાર સાફ કરવા જરૂરી છે.

(૪) કોન્ફરન્સ રૂમનો ફોન

એકથી વધુ લોકો વાપરતા હોય તેવા ફોન પર પણ જંતુઓ એકઠા થતા હોય છે. તમારા પર્સનલ મોબાઇલ ફોન પર પણ સ્ટેપ્ટોકોકોસ, એમઆરએસએ અને ઇ કોલીના બેકટેરીયા મળી આવતા હોય તો વિચારો ઓફીસના ફોનની પરિસ્થિતિ કેવી હોય? એમ. ટીએર્નો કહે છે.

(પ) ચા ના કપ

ટીએર્નો અનુસાર ઓફીસમાં તમારે ચા કે કોફી તમારા પોતાના કપમાં પીવી જોઇએ કેમકે એક અભ્યાસનું તારણ છે કે ર૦ ટકા કોમન ચાના કપ પર જંતુઓની ભરમાર જોવા મળી હતી. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:30 pm IST)