Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

માથેથી જોડાયેલી બાળકીઓ પંચાવન કલાકના ઓપરેશન બાદ છૂટી પડી

લંડન તા. ૧૯: પાકિસ્તાનમાં જન્મેલી અને માથાથી જોડાયેલી ટ્વિન બાળકીઓ સફા અને મારવા ઉલ્લાહને લંડનના ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલમાં લાંબી સર્જરી બાદ છૂટી પાડવામાં આવી છે. ચરસદા ગામમાં રહેતી આ ટ્વિન બાળકીઓનો જન્મ બે વર્ષ પહેલાં સિઝેરિયનથી થયો હતો. એ બન્ને બાળકીઓ એકબીજાનું મોં પણ જોઇ ન શકે એ રીતે ૧૮૦ ડિગ્રીના ખૂણે માથેથી જોડાયેલી હતી. આ બાળકીને જો નોર્મલ જીવન આપવું હોય તો સર્જરી દ્વારા છૂટી કરવી અત્યંત આવશ્યક હતી. બાળકીઓ જયારે ૧૯ મહિનાની હતી ત્યારે જ તેમની પર પહેલું ઓપરેશન થયેલું એ પછી ડોકટરોએ થ્રી-ડી પ્રિન્ટિંગના માધ્યમથી ઓપરેશન દરમ્યાન જે બારીકીઓનું ધ્યાન રાખવાનું હતું એ સમજવાની કોશિશ કરી હતી. તેમની પર કુલ ત્રણ સર્જરીઓ થઇ અને લગભગ પપ કલાકનો સમય એમાં લાગ્યો. સર્જરી દરમ્યાન ડોકટરોએ પહેલાં તેમના મગજમાં એકબીજા સાથે ગૂંચવાયેલી રકતવાહિનીઓને છૂટી પાડી હતી. એક જ માથામાં બે મગજ ચોટેલા હતા એને છૂટા પાડયા બાદ બન્નેના માથના હાડકાંને પણ જુદાં કરવાનાં હતાં. જોકે આ સમય દરમ્યાન મારવાની હાલત બહુ નાજુક થઇ ગયેલી. રકતવાહિનીઓ ડેમેજ થયેલી હોવાથી તેની હાર્ટબીટ અત્યંત ઘટી ગયેલી. જોકે એ વખતે ડોકટરોએ સફાની રકતવાહિનીઓ લઇને મારવાને બચાવી જોકે એને કારણે સફાને સર્જરી પછી સ્ટ્રોકના હુમલા આવ્યા. માથામાં હાડકાંનું આવરણ બનાવવા માટે પણ તેમના જ હાડકાં અને ટિશ્યુઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આખરે લાંબી સર્જરીઓની વણઝાર પછી દસ દિવસ પહેલાં જ બન્ને બાળકીઓને હોસ્પિટલમાંથી છૂટ્ટી આપવામાં આવી છે. ન્યુરોસજર્યન નૂર અલ ઓવેસીના કહેવા મુજબ આવો કેસ રપ લાખમાં એકાદ વાર ઉદ્દભવે છે. આ બાળકીઓ પર લગાતાર દસ મહિના સુધી સારવાર થઇ હતી અને હવે તેઓ ઘરે પહોંચી ગઇ છે.

(3:49 pm IST)