Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને આ પ્રકારે વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાના અહેવાલ

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ જો બાઇડેને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમેરિકા ડિફોલ્ટ નહી થાય. તેમને ફક્ત આશા નહીં પૂરેપૂરી ખાતરી છે કે અમેરિકા ડેટ ડિફોલ્ટ ટાળશે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસનલ રિપબ્લિકન સાથેની વાતચીત રચનાત્મક રહી છે. તે જાપાનમાં જી-૭ સમિટ માટે રવાના થયા હતા. પણ તે વીકેન્ડના અંતે પરત આવવાના છે. તેમને આશા છે કે તેઓ વીકેન્ડના અંતે સોલિડ એગ્રીમેન્ટને મંજૂરી આપશે. અમેરિકાના ડિફોલ્ટ થવાના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે બાઇડેનની આ ટિપ્પણી આવી છે.
વાટાઘાટકારોના પસંદગીના જૂથે બજેટ ખર્ચના ડીલ પરની અંતિમ રુપરેખા પર વાટાઘાટો કરતાં તેનો હલ નીકાળવાનો પ્રયત્ન કર્યો, જેથી પહેલી જૂન સુધીમાં ઋણ મર્યાદા વધારવાનો માર્ગ મોકળો કરી શકાય. ટ્રેઝરી વિભાગનું કહેવું છે કે આ ડીલ નહી થાય તો અમેરિકા તેની ઋણ ચૂકવણીની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જઈ શકે છે અને તેના લીધે સમગ્ર વિશ્વમાં નાણાકીય અંધાધૂંધી છવાઈ શકે છે.
બાઇડેને જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે અમે બજેટને લઈને કરાર કરવામાં સફળ રહીશું અને અમેરિકા નાદાર નહી થાય, એમ બાઇડેને વ્હાઇટ હાઉસના રુઝવેલ્ટ રુમમાંથી જણાવ્યું હતું. પછી બુધવારે સાંજે કેપિટલના ક્લોઝ્ડ ડોર પાછળ વાટાઘાટોનો પ્રારંભ થયો હતો. ડેમોક્રેટ બાઇડેન અને રિપબ્લિકન હાઉસના સ્પીકર કેવિન મેકાર્થી બંને સપ્તાહો સુધી ઋણ મર્યાદાની કટોકટી અંગે એકબીજા પર આરોપ મૂક્તા આવ્યા હતા. પરંતુ બાઇડેને જણાવ્યું હતું કે કોંગ્રેસનલ લીડરો સાથે વ્હાઇટ હાઉસના છેલ્લા સત્રામાં દરેક જણ બેઠકમાં આવ્યું હતું. મારું માનવું છે કે સારી નિષ્ઠાથી અને સારા ઇરાદાથી આવ્યું હતું.મેકાર્થીએ પણ આવો જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જો કે તે બિડનની વાત સામે દલીલ કરે છે. પ્રેસિડેન્ટનું કહેવું છે કે બજેટ મંત્રણા ઋણ મર્યાદા મુદ્દા કરતાં અલગ જ છે. પરંતુ સ્પીકરે જણાવ્યું હતું કે બિડેન તેમની વાત પરથી ફરી ગયા હતા અને વાટાઘાટો કરવાનો ઇન્કાર કરી દીધો હતો. બાઇડેને જણાવ્યું હતું કે દરેક આગેવાન તે વાત સાથે સંમત છે કે અમેરિકાએ તેની ઋણ ચૂકવણીની જવાબદારીમાં નિષ્ફળ જવું જોઈએ નહીં.

 

(6:31 pm IST)