Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

નવી માર્ગદર્શિકા અનુસાર હાર્ટએટેક રોકવાના ૮ વૈજ્ઞાનિક માર્ગો

તા.૧૯: પ્રથમ વખતે દર્દી ઉપર પુરતું ધ્યાન આપીને નિષ્ણાંતોએ પહેલો હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેઇલ રોકવા માટેની નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં એ પણ જણાવાયું છે કે દર્દીઓને તેમના જોખમી પરિબળો જણાવીને જ નહીં પરંતુ તેમની વર્તણૂંક અને જીવનશૈલી બદલીને જોખમ ઘટાડવામાં ડોકટરો કેવી રીતે મદદરૂપ થઇ શકે છે.

અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજી (એસીસી) ની વાર્ષિક મીટીંગમાં એસીસી અને અમેરિકન હાર્ટ એસોસિએશન (એએચએ) એ આ માર્ગદર્શિકાની નવી આવૃતિ જાહેર કરી હતી. આ માર્ગદર્શિકાનો આશય દર્દીઓનું જોખમ ઓછું કરવા અને જોખમની સારવાર કરવાના સારામાં સારા માર્ગો શોધવામાં ડોકટરોને મદદરૂપ થવાનો છે.

તેમણે આના માટે ૮ ભલામણો કરી છે.

(૧) એસીસી અને એએચએ જેમને પ્રથમ એટેકનો ભય હોય તેવા લોકોને રોજ ઓછા ડોઝમાં એસ્પિરીન લેવાની ભલામણ કરી છે. પરંતુ હાલના અભ્યાસો અનુસાર દરરોજ એસ્પિરીન લેવાથી શરીરમાં આંતરિક રકત સ્ત્રાવનું જોખમ રહે છે, ખાસ કરીને જેમને અલ્સર હોય. ઉપરાંત એક નવી સલાહ અનુસાર ૭૦ની ઉંમર પછી એસ્પિરીન લેવી જોખમકારક છે.

(ર) ટાઇપ ટુ ડાયાબીટીસ કંટ્રોલ કરો :નવી માર્ગદર્શિકા પ્રમાણે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે ડાયાબીટીસની મેટાફોર્મીન જેવી પ્રાથમિક દવાઓ નહીં પણ નવા વર્ગની એસજીએલટી-ર જે શરીરના કોષોને ગ્લુકોઝ શોષતા રોકે છે એન શોષાયેલ ગ્લુકોઝને કોષમાંથી બહાર કાઢે છે, અને જીએલપી-૧ આર જે સ્નાયુઓના કોષોમાંથી ગ્લુકોઝને બાળે છે અને પેન્ક્રીયાસમાં વધુ ઇન્સ્યુલીન ઉત્પન્ન કરે છે, તે દવાઓ લેવી જોઇએ.

(૩) ધુમ્રપાનથી દૂરરહોઃ ધુમ્રપાનથી દૂર રહેવાની સલાહ બહુ જાણીતી છે પણ નવી માર્ગદર્શિકા અનુસાર ઇ-સીગારેટ પણ એટલી જ જોખમી છે.

(૪) દર્દીની આજુબાજુનંુ વાતાવરણ ધ્યાનમાં લો : નવી માર્ગદર્શિકા નોન મેડીકલ ફેકટર ઉપર પણ ભાર મુકતા કહે છે કે ભલે તે દર્દીના આરોગ્ય પર અસર ન કરતું હોય પણ તે સારવાર માટે જરૂરી છે. જેમાં દર્દીના સ્થાયી નિવાસ, તેનો ખોરાકનો સ્ત્રોત, હોસ્પિટલ સુધીની ટ્રાન્સપોર્ટેશન સર્વિસ વગેરે ધ્યાનમાં લેવી જોઇએ.

(પ) બ્લડપ્રેશર નીચુ રાખોઃ ૨૦૧૭ની માર્ગદર્શિકા અનુસાર જેમને અત્યાર સુધી કોઇ હૃદયરોગ સંબંધી તકલીફ ન હોય તો પણ તેમણે પોતાનું બ્લડ પ્રેશર ૧૩૦/૮૦ એમએમએચજી થી નીચે રાખવું જોઇએ.

(૬) કોલેસ્ટ્રોલ ઘટાડો : નવેમ્બર ૨૦૧૮ની નવી માર્ગદર્શિકા અનુસાર પહેલો હાર્ટ એટેક ન આવે તેના માટે પોતાના ખોરાક, જીવનશૈલીમાં ફેરફાર કરીને, ધુમ્રપાન છોડીને લોકોએ કોલેસ્ટ્રોલ ઘટાડવા પર ધ્યાન આપવું જોઇએ.

(૭) વજનને યોગ્ય પ્રમાણમાં જાળવો : ખાંડ અને માંસાહાર ટાળીને શાકભાજી, ધાન અને મચ્છીને પોતાના ખોરાકમાં સમાવેશ કરીને વ્યકિતએ પોતાનું વજન માપદંડ અનુસાર જાળવવું જોઇએ.

(૮) કસરત કરોઃ નવી માર્ગદર્શિકા અનુસાર આરોગ્યપ્રદ વજન જાળવી રાખવા અને બ્લડ પ્રેશર ઓછું રાખવા અઠવાડિયામાં ૧૫૦ મિનીટ સાદી શારીરિક પ્રવૃતિ અથવા ૭૫ મીનીટની જોરદાર કસરત જરૂરી છે. વધુ કસરતથી વધુ ફાયદો થાય છે પણ નવા અભ્યાસ અનુસાર કંઇ ન કરવા કરતા કંઇક કરવું એ ફાયદાકારક છે. તેથી કંઇને કંઇ શારીરિક પ્રવૃતિઓ કરવી જોઇએ. (ટાઇમ્સ હેલ્થ માંથી સાભાર)

(3:25 pm IST)