Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રેસ્ટોરાંના કિચનની સિન્કમાં નાહતા કર્મચારીઓની તસવીરો વાઇરલ થતાં બધાને કામમાંથી પાણીચું મળ્યું

ન્યુયોર્ક,તા.૧૮: રેસ્ટોરાંના કિચનની સિન્કમાં નાહી રહેલા રેસ્ટોરાંના કર્મચારીનો વિડિયો ઓનલાઇન અપલોડ થયા પછી થોડા સમયમાં જ વાઇરલ થયો હતો. વિડિયો અમેરિકાના મિશિગન સ્થિત વેન્ડીઝના કર્મચારીનો હતો. મળેલી માહિતી મુજબ આ કર્મચારી સહિત સ્ટન્ટમાં સામેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું છે.

પહેલાં ટિકટોક અને પછી ફેસબુકમાં શેર કરવામાં આવેલા વિડિયોમાં કેપ્શન આપવામાં આવી હતી, 'હું  બધાને કહી દઈશ કે આ ગ્રીનવિલે વેન્ડીઝની રેસ્ટોરાંમાં જશો નહીં, એ ખૂબ જ ગંદી-ગોબરી છે.'

વાઇરલ થયેલા વિડિયોમાં એક માણસ રેસ્ટોરાંની મસમોટી સિન્કમાં બેઠો છે અને વેન્ડીઝનો યુનિફોર્મ પહેરનાર અન્ય એક વ્યકિત તેના પર કોઈક પ્રવાહી રેડીને તેને પોતાની જાતને સાફ કરવાનો આદેશ આપતો જણાય છે. શરીર ચોળતો એ માણસ કહી રહ્યો છે કે આ ગરમ પાણીના ટબ જેવું છે. હું જીવનનો આનંદ માણી રહ્યો છું. વિડિયોમાં પછીથી અન્ય લોકોનો હસવાનો અવાજ આવે છે.

વિડિયો વાઇરલ થતાં જ લોકોએ રેસ્ટોરાંની સ્વચ્છતા પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. જોકે કેટલાકે આ વિડિયોને વેન્ડીઝની છબિ ખરડવાની હરીફ રેસ્ટોરાંની ચાલ ગણાવી હતી, તો વળી કેટલાકે કર્મચારીઓ સાથે મેનેજરને પણ તગેડી મૂકવાની વાત કહી હતી.

(3:29 pm IST)