Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

લ્યો બોલો... જાપાનમાં માણસ ભાડે મળે છે

લોકો એ વ્યકિતને લઇ જવા ખર્ચે છે હજારો રૂપિયા

ટોકીયો તા. ૧૯ : હવે તો બધું જ ભાડે મળી જાય છે. કાર પણ, બાઈક પણ, ઘર અને ફલેટ તો પહેલા મળતા જ હતાં. ફર્નિચર પણ ભાડેથી મળે છે. જોકે શું તમે કયારેય એ સાંભળ્યું છે કે વ્યકિત ભાડે મળી રહ્યો હોય? જો નહીં તો અમે તમને જણાવી દઈએ કે જાપાનમાં આવું થઈ રહ્યું છે. ૩૭ વર્ષનો Shoji Morimoto પબ્લિશિંગમાં નોકરી કરતો હતો. હવે તો તે કશું જ કરતો નથી. બસ લોકો સાથે ભાડે જાય છે. મતલબ કે અજાણ્યા લોકો તેને ભાડે લઈ જાય છે અને તેની સાથે જ સમય પસાર કરે છે.

ખાલી ટ્વીટર પર જ તેના ૨ લાખ ૬૮ હજાર ફોલોઅર્સ છે. ત્યાં સુધી કે અનેક લોકો તેના કલાયન્ટ્સ પણ છે. તે જાપાનની રાજધાની ટોકિયોમાં રહે છે. તેને કોઈપણ ભાડે લઈ જઈ શકે છે. જેના માટે તેને ૧૦,૦૦૦ યેન એટલે કે આશરે ૭૦૦૦ રૂપિયા દેવા પડે છે. જેમાં મુસાફરી અને ભોજનનો પણ સમાવેશ થાય છે. Shoji લોકો સાથે બેસે છે અને થોડો રિસ્પોન્સ આપે છે તેમજ ભોજન લે છે.

પહેલા તેઓ સર્વિસ ફ્રી આપતા હતાં. જૂન ૨૦૧૮ની વાત છે. તેમણે ટ્વીટર પર આ વાત પોસ્ટ કરી હતી કે, 'હું પોતાને જ ભાડે આપું છું. એક એવો વ્યકિત જે કશું જ નથી કરતો. શું દુકાનમાં એકલું આવવું મુશ્કેલ છે? શું પોતાના ટીમ પ્લેયરને મિસ કરી રહ્યા છો?' પહેલા દિવસે જ તેને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. જયારથી તેમણે આ કામ શરૂ કર્યું છે તે ૩૦૦૦ લોકોને મળી ચૂકયા છે. તેમની સાથે સમય પસાર કરી ચૂકયા છે. તેની પાસે ૩-૪ કલાયન્ટ્સ રોજ આવે છે

ઘણાં લોકો તેને એ માટે ભાડે લઈ જાય છે કારણકે તેમને કંટાળો આવતો હોય છે. કેટલાક લોકો તેને એ માટે લઈ જાય છે કારણકે તેમને ઈન્સ્ટા પર તસવીરો શેર કરવાની હોય છે. તેઓ સાથે તસવીરો પોસ્ટ કરે છે. તેમના એક કલાયન્ટનું કહેવું છે કે તેને ખૂબ જ સારુ લાગ્યું જયારે અન્ય એક વ્યકિત તેની સાથે યોગ્ય અંતરે ચાલતો રહેતો હોય. એક કલાયન્ટે લખ્યું કે તેઓ સાથે હોસ્પિટલ ગયા હતાં. જેથી સારુ લાગ્યું.

The Independentના રિપોર્ટ અનુસાર, મોટાભાગના લોકો તેને મળ્યા છે એવા જ હોય છે. જેમને માત્ર સાંભળનાર જોઈએ છે. જેમ કે જેમના ડિવોર્સ થઈ ગયા છે, જેમનું બ્રેકઅપ થયું છે. જેમને કોઈ મુશ્કેલી છે તેવા લોકો. એક વ્યકિતએ તો તેને એવું પણ કહ્યું કે તેણે મર્ડર કર્યું છે. જયારે એક વ્યકિત તેને એ જગ્યા જોવા લઈ ગયો હતો જયાં તેણે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. નોંધનીય છે કે Shoji પોતે પરીણિત છે તેણે ફિઝિકસમાં Osaka Universityમાંથી ડિગ્રી પણ લઈ લીધી છે. તેમણે કહ્યું કે, 'હું લોકોની એકલતા અને ફિલિંગ્સને સમજી શકું છું.'

 

(1:03 pm IST)