Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અતિશય નમક આરોગવાથી વિસ્મૃતિની બીમારી થઇ શકે

અમેરિકામાં ઉદર ઉપર થયેલો પ્રયોગઃ ચોકાવનારા કારણો

ન્યુયોર્ક તા.૧૯: અતિશય મીઠાવાળો ખોરાક લેવાથી મગજમાં લોહીનો પુરવઠો ધીમો પડતો હોવાથી વિસ્મૃતિની બીમારી થતી હોવાનું અમેરિકામાં ઉંદરો પર કરવામાં આવેલા અભ્યાસમાં ફલિત થયું છે. ખોરાકમાં વધારે મીઠું ખાવાથી મગજના જ્ઞાનતંતુઓ અને માણસની ઓળખવા-પારખવાની ક્ષમતાને નુકસાન થવા જેવી અસરો વિશે આ પ્રથમ અભ્યાસ છે. આ અભ્યાસ વધારે મીઠું ખાવાને કારણે થતી વ્યાધિઓના નિવારણ સંબંધી બાબતો પર પ્રકાશ પાડશે. જે ઉંદરોને ખૂબ મીઠું નાખેલો ખોરાક આપ્યા પછી એમનું બ્લડ-પ્રેશર વધ્યું ન હોય તો પણ એમને વિસ્મૃતિની વ્યાધિ થતી હતી.

સામાન્ય રીતે દરેક વ્યકિતને આરોગ્ય જાળવવા માટે ખોરાકમાં રોજ ૨૩૦૦ મિલીગ્રામ સોડિયમ લેવાની મર્યાદા ડોકટરોએ બાંધી છે, પરંતુ અમેરિકાના પુખ્ત વયના લોકોમાંથી ૯૦ ટકા લોકો ખોરાકમાં ૨૩૦૦ મિલીગ્રામ કરતાં વધારે સોડિયમ લેતા હોય છે.

ઉંદરોને ચાર ટકા અથવા આઠ ટકા (ઉંદરોના આહારમાં સામાન્ય પ્રમાણ કરતાં આઠથી સોળગણું વધારે) મીઠું હોય એવો ખોરાક ઉંદરોને આપવામાં આવ્યો હતો. મીઠાના વધારે પ્રમાણની અસરની તુલના માણસના ખોરાકમાં નમકના પ્રમાણ સાથે કરવામાં આવી હતી. આઠ અઠવાડિયા પછી વિજ્ઞાનીઓએ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ વડે ઉંદરોની સ્થિતિ તપાસી હતી. એમાં ઉંદરોના મગજમાં લોહીના પુરવઠામાં નવું શીખવા સંબંધી ભાગમાં ૨૮ ટકા અને યાદશકિતના ભાગમાં પચીસ ટકા ઘટાડો નોંધાયો હતો. ત્યાર પછી ઉંદરોને ઓછા મીઠાવાળો ખોરાક આપવાથી ફરી એમની યાદશકિત અને ઓળખવા-પારખવાની ક્ષમતા સામાન્ય થઇ ગઇ હતી. એ પ્રયોગમાં હાઇ-સોલ્ટ ડાયટ વિસ્મૃતિની બીમારી માટે કારણભુત હોવાનું વિજ્ઞાનીઓએ સ્થાપિત કર્યુ હતું.

(3:15 pm IST)