Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગણપતિ બાપાને પ્રસાદીમાં ધરાવો ગોળ-નાળિયેરના મોદક

આપણે ત્‍યાં છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ઉત્‍સવનો મહિમા વધતો જાય છે. હાલ ગણેશ ઉત્‍સવ શેરીએ શેરીએ ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે શેરી કે ચોકમાં ઢોલ-નગારા સાથે ગણપતિ બાપાની મુર્તિની સ્‍થાપના કરવામાં આવે છે. ૭ કે ૧૧ દિવસ સુધી દરરોજ ગણપતિ બાપાનું પુજન-અર્ચન, ઢોલ-નગારા દ્વારા આરતી અને દરરોજ નવા નવા પ્રસાદ ધરવામાં આવે છે અને અનેક કાર્યક્રમો દ્વારા ગણેશોત્‍સવની ઉજવણી કરવામાં આવે છે. તો આ વર્ષે પ્રસાદી રૂપે ગણપતિ બાપાને ધરાવો ગોળ-નાળિયેરના લાડવા.

સામગ્રી :

ગોળ-નાળિયેરના લાડવા બનાવવા માટે ૨ કપ ચોખાનો લોટ, ૧ કપ ગોળ, ૨ કપ નાળિયેર, એક ટેબલસ્‍પૂન ખસખસ, અડધી ટેબલસ્‍પૂન એલચી પાવડર અને ઘી.

બનાવવાની રીત :

૧. સૌથી પહેલા ગેસ પર એક વાસણમાં સવા કપ જેટલુ પાણી ગરમ કરો.

૨. બીજા વાસણમાં ચોખાનો લોટ નાખી અને લોટ બાંધી લો. લોટ બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. લોટ નરમ થઈ જાય તેના માટે ૧૦ મિનીટ માટે રહેવા દો.

૩. એક નોન-સ્‍ટિક તવામાં ગોળ નાખી ધીમી આંચ પર ૧ થી ૨ મિનીટ સુધી ગરમ કરો અને ઓગળવા દો.

૪. ગોળમાં નાળિયેર, ખસખસ, અને એલચી પાવડર નાખી મિક્‍સ કરો અને ૪ થી ૫ મિનીટ માટે પકાવો.

૫. બધુ મિશ્રણ થોડુ ઘટ્ટ થઈ જાય તો ગેસ બંધ કરો. આ સામગ્રીને થોડીવાર માટે ઠંડુ થવા દો. ત્‍યારબાદ ચોખાના લોટમાં અડધી ચમચી ઘી નાખી લોટને થોડો મસળો.

૬. મોદક બનાવવા માટે બીબા (મોદકને આકાર આપનાર વાસણ)માં થોડુ ઘી લગાવી અને ચોખાનો લોટ બીબાની અંદરની કિનારી પર ચારે બાજુ લગાવો. ગોળનું મિશ્રણ બીબાની વચ્‍ચે ભરો અને ત્‍યારબાદ બીબાના ઉપરના ભાગ પર વ્‍યવસ્‍થિત લગાવી દેવું.

૭. બીબુ ખોલીને મોદક કાઢી લો. આવી રીતે બાકીની સામગ્રીથી બધા મોદકને આકાર આપી તૈયાર કરો. હવે એક વાસણમાં પાણી ગરમ કરો અને તેની ઉપર સ્‍ટીલની ચારણીમાં કેળાના પાન રાખો.

૮. મોદક ઉપર આંગળીથી થોડુ પાણી લગાવી ૬ થી ૭ મોદક કેળાના પાંદડા ઉપર રાખી વાસણને ઢાંકી દો. ધીમી આંચ પર ૮ થી ૧૦ મિનીટ સુધી મોદકને રહેવા દો. આવી રીતે બધા મોદક તૈયાર કરો.

(12:33 pm IST)