Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

૭૧ વર્ષના લગ્નજીવન બાદ એક જ દિવસે થયા પતિ-પત્નીના મોત

દુનિયામાં હજુ પણ સાચા પ્રેમનું અસ્તિત્વ છે

જર્મની, તા.૧૮: ઓનલાઈન ડેટિંગ અને ચેટિંગના આ યુગમાં કેટલીક લવ સ્ટોરી એવી પણ છે જે તમારા દિલ-દિમાગ પર ઊંડી છાપ છોડી જાય છે. દરેક સ્થિતિમાં એકબીજાનો સાથ નિભાવનારા આ કપલ તમને એટલો વિશ્વાસ તો અપાવી જ જાય છે કે, દુનિયામાં હજુ પણ સાચા પ્રેમનું અસ્તિત્વ છે. એક વર્ષ ડેટિંગ અને ૭૧ વર્ષનું વિવાહિત જીવન ખુશી-ખુશી એકબીજા સાથે પસાર કર્યા બાદ ૯૪ વર્ષના હર્બર્ટ અને ૮૮ વર્ષની મર્લિન ફ્રાન્સિસે ગત શુક્રવારે દુનિયાને અલવિદા કરી દીધું. બંનેના મોતમાં માત્ર ૧૨ કલાકનું જ અંતર હતું.

એક રિપોર્ટ અનુસાર , હર્બર્ટ ડેલાઈગલની લવ સ્ટોરી આશરે ૭૨ વર્ષ પહેલા એક કાફેમાં શરૂ થઈ હતી. તે વખતે ડેલાઈગલ ૨૨ અને મર્લિન ૧૬ વર્ષના હતા. મર્લિન તે કાફેમાં કામ કરતી હતી અને હર્બર્ટ પોતાના દોસ્તોને મળવા ત્યાં ગયા હતા. જયારે તેમની નજર મર્લિન પર પડી તો તે તેને જોતા જ રહી ગયા. થોડો સમય વિચાર્યા બાદ હર્બર્ટે મર્લિનને ડેટ માટે પૂછ્યું અને તે માની ગઈ. પહેલી ડેટ પર બંનેએ ફિલ્મ જોઈ. એક વર્ષ બાદ હર્બર્ટે મર્લિનને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને બંનેએ લગ્ન કરી લીધા.

લગ્ન બાદ મર્લિનએ પતિ સાથે જર્મનીમાં છ વર્ષ વિતાવ્યા. બીજા વિશ્વયુદ્ઘ દરમિયાન હર્બર્ટ સૈન્યમાં પણ જોડાયા. તેમણે કોરિયા અને વિયેતનામમાં પણ નોકરી કરી અને ૨૨ વર્ષની સર્વિસ પછી નિવૃત્ત થયા. આ દંપતી પોતાના છ બાળકો અને ૧૬ પૌત્ર-પૌત્રીઓ સાથે એક જ પરિવારમાં રહેતા હતા. સોમવારે દંપતીની અંતિમવિધિ ખૂબ જ સાદગીથી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યા સંબંધીઓ હાજર હતા. બંનેની લવ સ્ટોરી આસપાસના વિસ્તારોમાં પણ ખૂબ ફેમસ છે.(૨૩.૫)

(11:41 am IST)