Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

દીકરીને સ્કૂલમાંથી કાનમાં બુટ્ટી પહેરવાની ના પાડવામાં આવતાં પિતા ગેટ પર હાથે ગૂંદર ચીપકાવીને ધરણા કરવા બેસી ગયા

ન્યુયોર્ક તા. ૧૮: અમેરિકાના લીડ્સ શહેરમાં રહેતા જીઓફ સ્મિથ નામના ભાઇની ૧૪ વર્ષની દીકરી બોબીમાયને એક દિવસ અચાનક સ્કૂલથી પાછી ઘરે મોકલી દેવામાં આવી. કારણ આપવામાં આવ્યું કે તેણે ઇયરરિંગ્સ પહેરી છે એ નહીં ચાલે. બોબીમાયના કાને ટ્રેડિશનલી પહેરાય છે એવી બુટ્ટી નહોતી, પરંતુ બુટીની ઉપર ખાસ પ્રકારનું વીંધામણ કરાવેલું હતું. સ્કૂલવાળાએ તેને એમ કહીને પાછી મોકલી દીધી કે સ્કૂલમાં આવું પિયર્સિંગ કરીને નહીં આવવાનું. આ કાઢી નાખશે તો જ તેને સ્કૂલમાં એન્ટ્રી મળશે. વાત એમ હતી કે બોબીમાયે કંઇ શોખથી આ પિયર્સિંગ કરાવ્યું નહોતું. બાળપણથી તેને માઇગ્રેનની તકલીફ હતી. અનેક પ્રકારની સારવાર કરાવ્યા પછી એકયુપંકચરની સારવારથી તેને ફાયદો થયો હતો. કાનમાં આ ચોકકસ જગ્યાએ પિયર્સિંગ કરાવીને એમાં સોય લગાવેલી રાખવાથી તેને માથાના દુખાવાથી છુટકારો મળતો હતો. સ્કૂલે વાત સાંભળ્યા-સમજયા વિના જ પોતાની દીકરીને કાઢી મૂકી હોવાથી અકળાયેલા પિતા તરત સ્કૂલ પહોંચ્યા હતા અને તેમણે ટીચર્સને સમજાવવાની કોશિશ કરી, પણ કોઇ માન્યું નહીં એટલે તેમણે પોતાની વાત મેનેજમેન્ટ સાંભળે એ માટે ધરણા કરવાનું નકકી કર્યું અને કોઇ તેને હટાવી ન શકે એ માટે ખૂબ બધો ગુંદર હાથમાં લઇને તેમણે સ્કૂલના ગેટ સાથે પોતાના હાથ ચીપકાવી દીધા. સુપરગ્લુને કારણે તેમના હાથની ત્વચામાં ભયંકર બળતરા થવા લાગી છતાં તેઓ ટસના મસ ન થાય. આખરે સ્કૂલ-મેનેજમેન્ટે તેમની વાત સાંભળવી પડી.

(3:30 pm IST)