Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

કોર્ટમાં બેભાન થઈ પડયા ઈજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ મોર્સીઃ મોત

મોહમ્મદ મોર્સી પર જાસૂસીનો કેસ ચલાવવામાં આવી રહ્યો હતો

કેરો, તા.૧૮:ઈજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીનું કોર્ટમાં સુનાવણી દરમિયાન મોત થયું છે. ઈજિપ્તની સરકારી ટેલિવિઝને આ જાણકારી આપી છે. રિપોર્ટ મુજબ, કોર્ટની કાર્યવાહી બાદ મોહમ્મદ મોર્સી બેભાન થઈને પડી ગયા હતા, ત્યારબાદ તેમનું મોત થઈ ગયું.

મોહમ્મદ મોર્સીની ઉંમર ૬૭ વર્ષની હતી. કોર્ટમાં તેમની પર જાસૂસીનો કેસ ચલાવવામાં આવી રહ્યો હતો. મોહમ્મદ મોર્સીને ઈજિપ્તની સેનાએ ૨૦૧૩માં સત્તાથી પદભ્રષ્ટ કરી દીધા હતા.

મોહમ્મદ મોર્સી ઈજિપ્તના એક રાજનેતા હતા. તેઓએ ઈજિપ્તના પાંચમા રાષ્ટ્રપતિ તરીકે પોતાની સેવાઓ આપી. મોર્સી ઈજિપ્તના પહેલા એવા રાષ્ટ્રપતિ હતા જેઓ લોકતાંત્રિક રીતે ચૂંટાઈને સત્તામાં આવ્યા હતા. મોર્સી ૩૦ જૂન ૨૦૧૨થી લઈને ૩ જુલાઈ ૨૦૧૩ સુધી રાષ્ટ્રપતિ પદ પર રહ્યા. જોકે જુલાઈ ૨૦૧૩માં સેનાએ તખ્તાપલટો કરી અને મોર્સીને પકડીને જેલમાં ધકેલી દીધા હતા. ત્યારબાદ અબ્દુલ ફતાહ અલ-સીસી રાષ્ટ્રપતિ બન્યા.

બીજી તરફ, મોહમ્મદ મોર્સીને સત્ત્।ાને હટાવ્યા બાદ મુસ્લિમ બ્રધરહુડ સાથે સંકળાયેલા નેતાઓની વિરુદ્ઘ ઘણી સખ્તાઈ દર્શાવવામાં આવી. મોર્સીના સમર્થકોની મોટા પાયે હત્યાઓ થઈ અને લોકો રાતોરાત ગુમ થઈ ગયા.

(11:17 am IST)