Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

દુનિયાના સૌથી તંદુરસ્ત દેશોમાં સ્પેન નંબર વન

બીજા નંબર પર ઇટાલીઃ અમેરિકાનો નંબર ગયો પાછળઃ ભારત તો શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાલથી પાછળ ૧૨૦માં સ્થાને

બ્લુમબર્ગ : દુનિયાના સૌથી તંદુરસ્ત દેશોની યાદીમાં સ્પેને ઇટાલીને પાછળ રાખી દીધું છે. બ્લુમબર્ગ તંદુરસ્ત દેશોની સુચીની ૨૦૧૯ની આવૃતિ અનુસાર તે જાહેર થયું છે. દુનિયાના ૧૬૯ દેશોની આરોગ્ય વિષયક પરિસ્થિતિઓના આધાર પર આ યાદી તૈયાર કરવામાં આવે છે. ૨૦૧૭માં બહાર પાડવામાં આવેલ યાદી અનુસાર સ્પેન છઠ્ઠા નંબર પર હતું.

૨૦૧૯ની યાદીમાં ટોપટેનમાં યુરોપના બીજા ચાર દેશો પણ છે જેમાં આઇસ લેન્ડ (ત્રીજુ) સ્વીત્ઝરલેન્ડ (પાંચમું) અને નોર્વે (નવમું) સ્થાન ધરાવે છે. જાપાન એશિયાનું સોથી તંદુરસ્ત રાષ્ટ્ર છે તેણે ૨૦૧૭ની યાદીમાંથી ૩ સ્થાનનો કુદકો માર્યો હતો અને ચોથા સ્થાને પહોંચ્યું છે. જયાં સીંગાપોર હતંુ હવે સિંગાપોર આઠમાં સ્થાન પર ગબડયું છે. ઓસ્ટ્રેલિયા અને ઈઝરાયેલ ટોપટેનમાં અનુક્રમે સાતમા અને દસમાં સ્થાને છે.

આ યાદી દરેક રાષ્ટ્રોની સરેરાશ ઉંમર, તમાકુ અને મેદસ્વીતા જેવા જોખમ પર લગાવતી પેનલ્ટી, પર્યાવરણ, ચોખ્ખા પાણીની સુગમતા અને સેનિટેશનની સવલતો વગેરે બાબતોની ગણત્રી કરીને તેના આધારે તૈયાર કરવામાં આવે છે.

સ્પેનમાં સરકાર દ્વારા જરૂરી પ્રાથમિક જરૂરિયાતો, સ્પેશ્યલાઇઝડ ડોકટરો, નર્સોની સેવાઓ પુરી પાડવામાં આવે છે. જે બાળકોને અને મોટી ઉંમરના દર્દીઓ તથા સ્ત્રીઓને પ્રીવેન્ટીવ સારવાર આપે છે. તેના કારણે ત્યાં હૃદયરોગ અને કેન્સરના કારણે થતા મૃત્યુમાં છેલ્લા દાયકામાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેવું આ યાદીની નોંધમાં જણાવાયું છે.

આ યાદીમાં કેનેડા ૧૬માં સ્થાન પર છે જયારે અમેરિકા અને મેકસિકો અનુક્રમે ૩૫ અને ૫૩માં સ્થાને છે. કયુબા વર્લ્ડ દ્વારા ઓછી આવકવાળા રાષ્ટ્ર તરીકે જાહેર થયું હોવા છતાં અમેરિકા કરતા પાંચ સ્થાન આગળ છે.

દક્ષિણ કોરીયાએ સાત સ્થાનનો સુધારો કરીને ૧૭માં સ્થાને છે. જયારે ચીન ત્રણ સ્થાન આગળ વધીને પર માં સ્થાને છે. ચીનની સરેરાશ વય મર્યાદા અમેરિકા કરતા વધારે છે.

આપણે માનીએ કે ન માનીએ દક્ષિણ એશિયામાં ભારતનો ક્રમ, શ્રીલંકા (૬૬), બાંગ્લાદેશ(૯૧) અને નેપાળ(૧૧૦)થી પણ પાછળ એટલે કે ૧૨૦મો છે. ૨૦૧૭માં તેનો ક્રમ ૧૧૯મો હતો.

(3:44 pm IST)