Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ટયુમરની અંદર જ હોય છે કેન્સર સામે લડવાની ફેકટરીઓ

સાયન્સ જર્નલ 'નેચર'માં પ્રકાશિત રિસર્ચમાં જબરો ધડાકો

ટોકિયો તા. ૧૮ : વૈજ્ઞાનિકોએ જીવલેણ રોગ કેન્સરનો વધુ એક ઇલાજ શોધ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ વખતે શોધકોએ કેન્સરની ટયુમરમાં જ એવી કોશિકાઓની ભાળ મેળવી છે જે કેન્સર સામે લડી શકે છે.

ડોકટરોએ ઇમ્યુનોથેરાપી દ્વારા ઉપચારની એક નવી પધ્ધતિ શોધી છે. તેમાં શરીરના પ્રતિરક્ષા તેમને શકિતશાળી બનાવીને તેને ટયુમર સામે લડવા માટે તૈયાર કરવામાં આવે છે. સાયન્સ જર્નલ 'નેચર'માં આ પ્રકારના ઇલાજ સાથે સંકળાયેલ ત્રણ અભ્યાસો પ્રકાશિત થયા છે. જે ત્રણ અલગ અલગ દેશના વૈજ્ઞાનિકોએ મોકલ્યા છે. આ અભ્યાસ જણાવે છે કે સફેદ રકત કોશિકાઓ અથવા ટી-સેલ્સ ટયુમર ખતમ કરી નાખે છે. એ કેન્સરને ઉત્પન્ન કરતી કોશીકાઓની ઓળખ કરીને તેના પર હુમલો કરવામાં સક્ષમ છે. જોકે આ ઇલાજ અત્યારે ફકત ૨૦ ટકા દર્દીઓ પર કારગત રીતે કામ કરી રહ્યો છે. અભ્યાસ અનુસાર, ટયુમર અથવા કેન્સર ઉપર બનેલી કેટલીક કોશિકાઓની સંરચના શરીરને કેન્સર સામે લડવામાં મદદ કરવા માટે ફેકટરી જેવું કામ કરે છે.

આ અભ્યાસનું તારણ એ છે કે, ફકત ટી સેલ્સ જ નહીં, પણ શરીરમાં અન્ય કેટલાક એજન્ટો પણ છે જે કેન્સર સામે લડવા માટે સક્ષમ છે. અમેરિકાની ટેક્ષાસ યુનિવર્સિટીની સર્જીકલ ઓન્કીઓલોજી વિભાગની ડોકટર બેથ હેલ્મિક જણાવે છે કે, આ શોધે ઇમ્યુનોથેરાપીમાં બી-કોશિકાઓ સાથે જોડાયેલી ધારણાઓ બદલી નાખી છે. આ શોધમાં ઘણી ચોંકાવનારી બાબતો બહાર આવી છે જે દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે.

(3:43 pm IST)