Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

પાળેલા મગરને ખવડાવવા ગયેલી મહિલાને જ મગર ખાઇ ગયો

જાકાર્ના, તા.૧૮: ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર મિનાહાસા ગામમાં ગયા અઠવાડિયે એક ચોંકાવનારી ઘટના ઘટી. ૪૪ વર્ષની ડીઝી ટુવો નામની મહિલા તેણે જ પાળેલા મગરનો કોળિયો બની ગઇ હતી. ડીઝી સાયન્ટિસ્ટ હતી અને એક લેબોરેટરીમાં કામ કરતી હતી. એ લેબોરેટરીની નજીક આવેલા ટચુકડા તળાવમાં એક મગર રાખવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે સાંજના સમયે ડીઝી મગરને માંસ ખવડાવવા માટે ગયેલી. ખાસ્સા કલાકો પછી પણ તે પાછી ન ફરતાં અન્ય કલીંગ સાયન્ટિસ્ટોએ તેની શોધ ચલાવી. છેક બીજા દિવસે સવારે તેના ડેડ-બોડીના પાર્ટ્સ તળાવમાં તરવા જોવા મળ્યા હતા. તેના બોડીમાંથી એક હાથ અને પગ કપાઇ ચૂકયા હતા અને પેટનો મોટા ભાગનો હિસ્સો ખવાઇ ચૂકયો હતો. તેનું બોડી જયારે તળાવમાંથી કાઢવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એ જ જગ્યાએ તરી રહેલા મગરના મોંમાં હજીયે ડીઝીના શરીરનાં અંગો હોઇ શકે છે અને ખરેખર એવું જ હતું. આ ઘટનાની પુષ્ટિ થતાં પોલીસે તપાસ શરૂ કરી કે આ મગર અહીં રાખવાની પરવાનગી હતી કે નહીં. તપાસમાં ખબર પડી હતી કે મગર ગેરકાયદે રીતે પાળવામાં આવ્યો હતો. અને એ માટે જરૂરી કોઇ લાઇસન્સ લેબોરેટરી પાસે નહોતું. આખરે બે દિવસ પછી આર્મી, પોલીસ અને કન્ઝર્વેશન અધિકારીઓએ ભેગા મળીને પહેલાં તો મગરને બેભાન કર્યો અને પછી મોં બાંધીને ત્રણ કલાકની મહેનતે પાણીમાંથી બહાર કાઢયો હતો. આ મગરને જંગલના ખુલ્લા તળાવમાં શિફટ કરવામાં આવ્યો છે.

(11:35 am IST)