Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

યુરોપમાં રસી ન લેનાર લોકો પર લગાવવામાં આવ્યા આકરા પ્રતિબંધ

નવી દિલ્હી: યુરોપમાં તાપમાન ઘટતાં જ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચોથી લહેરથી બચવા માટે કેટલાક યુરોપિયન દેશોમાં માસ્ક ફરી ફરજિયાત કરાયું છે. બુસ્ટર ડોઝ આપવાની પણ તૈયારી થઈ રહી છે. લૉકડાઉન વિશે પણ ચર્ચાવિમર્શ થઈ રહ્યો છે. એટલું જ નહીં, રસી નહીં લેનારા લોકો વિરુદ્ધ લૉકડાઉન જેવા પ્રતિબંધો મૂકવા બેઠકો યોજાઈ રહી છે.

ઉદાહરણ તરીકે છેલ્લાં બે સપ્તાહમાં ઓસ્ટ્રિયામાં કોરોનાના નવા કેસમાં 134% વધારો થયો છે. ઓસ્ટ્રિયા સરકારે 12 વર્ષથી મોટી ઉંમરના રસી નહીં લેનારા પર સકંજો કસ્યો છે અને તેમના પ્રવાસો-મુલાકાતોને સ્કૂલ, જરૂરી ચીજવસ્તુની ખરીદી અને મેડિકલ સર્વિસ સુધી સીમિત કરી દીધી છે. ઓસ્ટ્રિયાનું આ પગલું યુરોપના દેશોની સરકારોની પેટર્ન પ્રમાણે છે, જ્યાં લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવા પ્રેરિત કરવાના હેતુથી આવા પ્રતિબંધો લદાયા છે. યુરોપિયન દેશોએ લીધેલાં આ પગલાં એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે હાલ અહીં વાઈરસની સ્થિતિ મજબૂત છે. વિયેના મેડિકલ યુનિવર્સિટીમાં પ્રો. ઈવા શ્રેહેમર કહે છે કે ઓસ્ટ્રિયાના નવા નિયમોથી રસી લેનારા અને નહીં લેનારા લોકો વચ્ચેનો સંપર્ક ઘટી જશે.

 

(5:44 pm IST)