Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

૪૫ વર્ષની ઉંમર બાદ પિતા બનવું બીનહિતકારકઃ તમારા બાળકોમાં આરોગ્ય જોખમ વધુ રહે છે

અમેરિકાઃ. મોટી ઉંમરે થતા બાળકોને કારણે સ્ત્રીઓને પ્રસુતિ વખતે અને બાળકને આરોગ્ય વિષયક તકલીફો રહે છે, પરંતુ મોટા ભાગે પુરૂષોને કોઈ તકલીફ નથી થતી.

બુધવારે પ્રકાશિત થયેલ એક નવો અભ્યાસ એવું સુચવે છે કે, પુરૂષોની બાયોલોજીકલ ઘડીયાળ પણ કામ કરે જ છે અને મોટી ઉંમરના પિતાના બાળકોને પણ પ્રીમેચ્યોર બર્થ, જન્મ વખતે ઓછું વજન, શ્વાસની તકલીફ જેવી તકલીફો તો થાય છે પણ માતા અને પિતા બન્ને મોટી ઉંમરના હોય તો બાળકોને આરોગ્ય વિષયક જોખમ વધી જાય છે ખાસ કરીને ડાયાબીટીસનું. પોતાની કેરીયર બનાવવા અને અભ્યાસના કારણે અમેરિકન સ્ત્રીઓમાં મોટી ઉંમરે પ્રસુતિના કિસ્સા વધતા જાય છે. પિતાઓ માટે પણ આજ ટ્રેન્ડ લાગુ પડે છે. ૧૯૭૨ અને ૨૦૧૫ વચ્ચે પિતા બનવાની સરેરાશ ૨૭.૪ વર્ષથી વધીને ૩૦.૯ વર્ષે પહોંચી છે. એક અભ્યાસ મુજબ ૯ ટકા પુરૂષો ૪૦ વર્ષ પછી પિતા બને છે.

મોટી ઉંમરે થતી પ્રસુતિના કારણે સ્ત્રીઓમાં પ્રીમેચ્યોર બર્થ, ઓછા વજનવાળુ બાળક, ગેસ્ટેશનલ ડાયબીટીઝ અને હાઈબ્લડપ્રેશર જેવી તકલીફો થાય છે.

ર૦૦૭ થી ર૦૧૬ વચ્ચે અમેરીકામાં થયેલ જન્મના આંકડાઓનો આ અભ્યાસમાં ઉપયોગ કરાયો હતો. (આ સમય ગાળામાં પિતા બનવાની સરેરાશ ઉંમર ૩૦ થી વધીને ૩૧.ર વર્ષ થઇ હતી.) રીસર્ચરોએ આ સમય ગાળામાં જન્મેલા બાળકોના પિતાઓને પાંચ ગ્રુપમાં વર્ગીકૃત કર્યા હતાં. રપ થી ઓછી વય, રપ થી ૩૪ વર્ષ, ૩પ થી ૪૪ વર્ષ, ૪પ થી પ૪ વર્ષ અને પપ તથા તેનાથી વધારે વર્ષ. ત્યારબાદ આ ઉંમરે પિતા બનેલ પુરૂષોના બાળકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

માતાની ઉંમર અને માતા પિતાના આરોગ્ય શારિરિક માહિતીઓને ગણત્રીમાં લીધા પછી રીસર્ચરોને જાણવા મળ્યું કે બાળક અને માતાની આરોગ્ય વિષયક તકલીફોને પિતાની ઉંમર સાથે સંબંધ છે. મોટા ભાગે તકલીફો પિતાની વય ૪પ વર્ષ હોય ત્યારથી શરૂ થતી હતી અને પછી જેમ જેમ ઉંમર વધારે તેમ જોખમ વધતું જતું હતું.

રપ થી ૩૪ વર્ષના પિતાના બાળક કરતા ૪પ અને તેનાથી વધુ ઉંમરના પિતાના બાળકમાં ઓછા વજનની તકલીફ અને પ્રીમેચ્યોર બર્થની શકયતા ૧૪% વધારે હતી. પપ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા પિતાના બાળકને હૃદયના ધબકારા, શ્વાસ અને પ્રતિક્રિયાની તકલીફો હતી. આ નવજાત બાળકોને હોસ્પીટલમાં દાખલ કરવાની ર૮% વધારે શકયતાઓ હતી. બાળકના પિતાની ઉંમર ૪પ થી વધારે હોય તેવી ગર્ભવતી સ્ત્રીઓનો રપ થી ૩૪ વર્ષના પિતાની સરખામણી એ ડાયાબીટીસની શકયતા ર૮% વધારે જોવા મળી હતી. (ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(3:03 pm IST)