Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાથમાં સતા ગયા બાદ મહિલાઓના મામલે મંત્રાલયમાં મહિલા કર્મચારીઓને રોકી દેવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનોના હાથમાં સત્તા ગયા બાદ જે બાબતોનો ડર હતો તે જ થઈ રહ્યુ છે. તાલિબાને હવે જાત જાતના નિયંત્રણો મુકવા માંડ્યા છે. વક્રતા એ છે કે, મહિલા મામલાઓના મંત્રાલયમાં મહિલા કર્મચારીઓને જ જતા રોકી દેવામાં આવી છે. હવે અહીંયા માત્ર પુરુષ કર્મચારીઓ કામ કરશે. તાલિબાને તાજેતરમાં એલાન કર્યુ હતુ કે, જે ઓફિસોમાં પુરુષો કામ કરતા હશે ત્યાં મહિલાઓ કામ નહીં કરી શકે. દરમિયાન રશિયાન મીડિયાએ દાવો કર્યો છે કે, તાલિબાનના કેટલાક નેતાઓએ મહિલાઓના મામલાને લગતા મંત્રાલયમાં મહિલા કર્મચારીઓને જતા રોકી દીધી છે. એક કર્મચારીએ જ રશિયન મીડિયાને જાણકારી આપી હતી અને તેની સામે મહિલાઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ. તાલિબાને એમ પણ પોતાના મંત્રી મંડળમાં એક પણ મહિલાને સ્થાન આપ્યુ નથી. મહિલાઓ સાથે તેમનો વ્યવહાર યોગ્ય નહીં હોય તેવી જે બીક હતી તે હવે સાચી પડી રહી છે. તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાન છોડી જનાર રિસર્ચર હુમેરા રિયાઝીએ તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, તાલિબાનો મહિલાઓને માણસ સમજતા જ નથી. ઉલ્લેખનીય છે કે, તાલિબાને કાબુલ જેલમાંથી જે કેદીઓને આઝાદ કર્યા છે તેમાંથી કેટલાક પર મર્ડર અને રેપના પણ આરોપ છે.

(6:40 pm IST)