Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

બે વર્ષનો ટેણિયો રોજની ૪૦ સિગારેટ પી જાય છે!

દરરોજ બે પેકેટ સિગારેટ જોઇએ, ન મળે તો ઉશ્કેરાય

જાકાર્તા તા. ૧૭ : ઈન્ડોનેશિયાના સુકાબૂમિના બે વર્ષના રેપી નામના ટેણિયો છે ચેઈન-સ્મોકર. આ ટેણિયો દિવસની ૪૦ સિગરેટ ફૂંકે છે. રેપી મમ્મીના માર્કેટ સ્ટોલની બહારથી સિગરેટની ઠૂંઠા ઉઠાવતો હતો. આ સિગરેટના ઠૂંઠા તેના મોટી ઉંમરના લોકો તેને સળગાવી આપતા. થોડા જ દિવસમાં હાલત એવી થઈ ગઈ કે તે ખરીદી કરવા આવતા લોકો પાસેથી સિગરેટ માંગતો થઈ ગયો.

શરૂઆતમાં તો આ નાના બાળકની માગણીને પ્રેમથી લેતા અને તેને સિગારેટ આપતાં. રેપીને સિગરેટ સળગાવતો જોઈને લોકોને હસવું પણ આવતું. રેપના નિકનેમથી ઓળખાતા રેપીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્પાઈડર મેનનું ટી-શર્ટ પહેરીને ખુશી સિગરેટના કશ મારતો રેપી દેખાય છે. નાનકડા હાથમાં સિગરેટ જોવી ઘણું જ દુઃખદાયી છે. આ વીડિયોમાં તે રસ્તા પર આરામથી ઊભો રહીને સિગરેટ પીવે છે અને તેની મમ્મી તેને જોઈને હસે છે.

લોકો રેપીને સિગરેટ પીતો અટકાવવાની કોશિશ કરે છે. તેના હાથમાંથી સિગરેટ લઈ લેવામાં આવે તો ગુસ્સાભરી નજરોથી રેપી લોકો સામે જોવે છે. આ ટેણિયો એક પછી એક સિગરેટ પીતો રહે છે અને તેને ટોળે વળીને જોવા ઊભા રહેતા લોકો બસ તેને જોયા કરે છે જાણે કોઈ ફરક જ ના પડતો હોય. રેપીની મમ્મી માર્યતીએ કહ્યું કે, 'રેપી માટે દરરોજના બે સિગરેટના પેકેટ ખરીદું છું, જેથી તે ઉશ્કેરાઈ ના જાય.'

દુનિયાભરમાં સૌથી વધુ સિગરેટ પીતા લોકો ઈન્ડોનેશિયા છે. સિગરેટ પીનારા બાળકોની સંખ્યા ચિંતાજનક છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લગભગ ૯ ટકા બાળકો છે જે સ્મોકર છે. ૨૦૧૦માં એક ફૂટેજ સામે આવ્યું હતું જેમાં બે વર્ષનો આલ્દી રિઝાલ સિગરેટ પીવા માટે કુખ્યાત થયો હતો. (૨૧.૭)

(10:26 am IST)