Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

૨૦૧૪માં ૧૧૦૦૦ લોકોને ઈબોલા ભરખી ગયો હતો

કોંગો-યુગાન્ડામાં ઈબોલાનો ઉપાડોઃ ૧૪૦૦થી વધુના મોતઃ ડબલ્યુએચઓ ઈન્ટરનેશનલ ઈમરજન્સી જાહેર કરશે

જીનીવા, તા. ૧૭ :. સેન્ટ્રલ આફ્રિકામાં 'ઈબોલા' નામની બિમારીએ મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આ બિમારીથી કોંગો અને યુગાન્ડામાં ઓછામાં ઓછા ૧૪૦૦ લોકોના મોત થયા છે, એટલુ જ નહિ ૨૧૦૦ લોકોને અસર થઈ છે. આ રોગના લક્ષણોમાં ભયંકર તાવ, ઉલ્ટી અને શરીરમાં પાણીની અછત વર્તાય છે. આ સંજોગોમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓ ઈબોલાને ઈન્ટરનેશનલ ઈમરજન્સી જાહેર કરે તેવી શકયતા છે.

૨૦૧૪માં પશ્ચિમ આફ્રિકામાં ઈબોલાથી ૧૧૦૦૦ લોકો મરી ગયા હતા. ઈબોલાથી પીડીત બન્ને દેશો પાસે આ રોગનો મુકાબલો કરવા માટે કોઈ સંશાધનો નથી. કોંગો અને યુગાન્ડાની ૫૦૦ માઈલ લાંબી બોર્ડરથી રોગનો ભોગ બનેલા લોકોની અવરજવરથી તે મહામારીનું સ્વરૂપ લેતી જાય છે. લોકોને કહેવાય છે કે તેઓ એકબીજાના સ્પર્શ કરવા અને હાથ મિલાવવાથી બચે. આ રોગ છીંકવાથી, નાક વહેવાથી, પરસેવાને સ્પર્શ કરવાથી અને રકતને ખુલ્લા હાથે અડવાથી થાય છે.

(11:48 am IST)