Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

હવાઇઃ ૧૨ હજાર ફૂટ ઉંચે સુધી ફેંકાયા લાવા બોમ્બ

લાવા જમીન પર નીચે આવતા ડાયનાસોરના ઇંડા જેવડા આકારમાં ફેરવાઇ ગયા છે

હોનાલુલુઃ અમેરિકાના  હવાઇ આઇલેન્ડ પર સક્રિય થયેલા કિલાઉ જવાળામુખીના કારણે બુધવારે ઓથોરિટી એ અહીં રેડ એલર્ટ જાહેર કર્યુ હતું. આજે ગુરૂવાર સુધી જવાળામુખીની આસપાસ ઘડા આકારના લાવા ફોર્મેશન તૈયાર થઇ ગયા છે. જેમાંથી સતત લાવા અને ખડકો બહાર ફેંકાઇ રહી છે. બુધવારે જવાળામુખીમાંથી ૧૨,૦૦૦ ફૂટ ઉંચાઇએ લાવા ફેંકાયો હતો. આ લાવા જમીન પર નીચે આવતા જયુરાસિક પાર્કના ઇંડા આકારના ફોર્મેશનમાં ફેરવાઇ ગયા છે.

 મે મહિનાની શરૂઆતથી જ કિલાઉ જવાળામુખી સક્રિય થવાનું મૂળ કારણ ૨૪ કલાકમાં આવેલા ૨૫૦ થી વધુ ભૂકંપના આંચકાઓ છે. બુધવારે પણ હવાઇ આઇલેન્ડમાં સવારે ૮.૩૦ વાગ્યે ૪.૪ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો.  લાવા સતત ખસવાના કારણે જવાળામુખીની આસપાસની જમીન પણ ૩ ફૂટ નીચે ધસી ગઇ છે. જેના કારણે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે.  પોલીસના જણાવ્યા અનુસાર, ઇંડા આકારના ફોર્મેશન હવાઇ વોલ્કેનો નેશનલ પાર્કની આસપાસ જોવા મળે છે.  જવાળામુખીનો લાવા અત્યાર સુધી ૪ લાખ સ્કવેર ફૂટના એરિયામાં ફેલાઇ ગયો છે. અહીં છેલ્લાં ૫ દિવસોમાં ૫૦૦થી વધુ ભૂકંપના આંચકાઓ આવ્યા છે.

  હવાઇના ગવર્નર ડેવિડ ઇગેના જણાવ્યા અનુસાર, પ્યુના ડિસ્ટ્રિકટના બિગ આઇલેન્ડ પરથી લગભગ તમામ લોકોનું સ્થળાંતર થઇ રહ્યું છે. કારણ કે લાવાના કારણે અહીંની જમીન અને રહેણાંક વિસ્તારોને નુકસાન પહોંચ્યું છે. લાવામાંથી ફેંકાતા ખડકોને ખસેડવાનું કામ પણ જવાળામુખી શાંત થયા બાદ જ હાથ ધરવામાં આવશે. હવાઇ વોલ્કેનો ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર, બુધવાર અને ગુરૂવારે સૌથી વધુ બ્લાસ્ટ જોવા મળ્યા છે.

 વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, સતત આવતા ભૂકંપના કારણે જવાળામુખીની અંદરની જમીનમાં તિરાડો પડશે. જેના કારણે આગામી દિવસોમાં વધુ ટનલ બનશે અને તેમાંથી લાવા બહાર ફેંકાવાની શકયતાઓ છે. લોકલ ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, છેલ્લાં બે અઠવાડિયાથી સક્રિય થયેલા જવાળામુખીમાં બેલાસ્ટિક બ્લાસ્ટ થઇ રહ્યા છે અને ઝેરી રાખનું નિર્માણ થઇ રહ્યું છે.

(4:27 pm IST)