Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પાકિસ્તાનનું સૌથી મોટું એરપોર્ટઃ સુવિધાના નામે ઝીરોઃ ધરાર ઉદ્ઘાટન

ઈસ્લામાબાદ તા. ૧૬ : પાકિસ્તાનમાં સૌથી મોટા એરપોર્ટના નિર્માણમાં ૧૧ વર્ષનો સમય લાગ્યો છે. તેમ છતાં એરપોર્ટ પર હજીસુધી પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. ઉપરાંત સુરક્ષા ચિંતાઓની અવગણના કરીને આગામી ૨૦ એપ્રિલના રોજ ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાન સરકારે રાજકીય લાભ લેવા માટે એરપોર્ટના જલદી ઉદઘાટન કરવાનો નિર્ણય કર્યો છે. કારણકે, પહેલા જ આ પ્રોજેકટમાં ઘણું મોડું થયું છે. આ પ્રોજેકટ વર્ષ ૨૦૦૭માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેને ૨૦૧૦માં પુરો કરવાનો ટાર્ગેટ રખાયો હતો. પરંતુ એરપોર્ટના નિર્માણમાં નિશ્ચિત સમય કરતાં ૮ વર્ષ વધુ થયા છે. અરપોર્ટ પર પીવાના પાણીનો પણ અભાવ છે અને પાસે કોઈ હોટેલ પણ નથી.

જોકે તમામ અસુવિધાની અવગણના કરીને પાકિસ્તાન સરકારે એરપોર્ટના ઉદઘાટન કરવાનો નિર્ણય કર્યો છે. આ એરપોર્ટ પર વાર્ષિક ૯૦ લાખ પ્રવાસીઓના આવાગમનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત એરપોર્ટની ક્ષમતામાં ભવિષ્યમાં વધારો કરવામાં આવશે. જૂના એરપોર્ટ પર ૧૫૦૦ લોકોના બેસવાની વ્યવસ્થા હતી. જયારે નવા એરપોર્ટમાં ૫ હજારથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

નવા એરપોર્ટને પાકિસ્તાનનું પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટ ગણાવવામાં આવી રહ્યું છે. ૨૦ એપ્રિલે ઉદઘાટન કરાયા બાદ અહીં વિમાનોનું આવાગમન શરુ થઈ જશે. ઈસ્લાબાદ શહેરથી એરપોર્ટ ૨૦ કિમી દૂર આવેલું છે. રિપોર્ટ મુજબ આ એરપોર્ટને ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.(૨૧.૯)

(11:45 am IST)