Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

૩૦ વર્ષ પહેલાં બધું ભૂલી ગયેલો, કોરોનાના ન્યુઝ સાંભળીને અચાનક યાદશકિત પાછી આવી ગઈ

બીજીંગ, તા.૧૭: માથામાં કંઈક ઇન્જરી થવાથી યાદશકિતને માઠી અસર પડતી હોય છે, એને કારણે ઘણી વાર અચાનક જ માણસ બધું ભૂલી જાય છે. જેને કારણે તેની જિંદગી સાવ જ નવેસરથી શરૂ થાય છે. ચીનના ગુઈઝોઉ પ્રાંતમાં રહેતા ઝુ જિઆમિંગ નામના ભાઈ ત્રીસ વર્ષ પહેલાં કન્સ્ટ્રકશનના કામ માટે હુબેઈ પ્રાંતમાં જઈને વસેલા. જોકે ત્યાં કામ દરમ્યાન માથે ભારેખમ પથરો પડતાં તે બધું જ ભૂલી ગયો. તેને આપવામાં આવેલું ઓળખપત્ર પણ ખોવાઈ ગયેલું અને યાદશકિત પણ કોઈ રહી નહોતી. ભૂખ્યો-તરસ્યો રોડ પર રઝળતો હતો ત્યાં એક દયાળુ યુગલે તેને બચાવ્યો, કામ આપ્યું અને પોતાની સાથે રહેવાની વ્યવસ્થા કરી આપી. પેલા યુગલે ઝુને તેના દ્યર અને પરિવાર વિશે દ્યણું પૂછ્યું પણ તેને કશું જ યાદ નહોતું. જોકે તાજેતરમાં તે ટીવી ચેનલ પર કોરોનાવાઇરસે મચાવેલી તબાહીના સમાચાર જોતો હતો અને એમાં તેના મૂળ ગામની વાત આવી. એ ગામના સમાચાર અને દૃશ્યો જોઈને ભાઈસાહેબને ઘડીકભરમાં જ બધું યાદ આવી ગયું. તેને એ પણ યાદ આવી ગયું કે તે મૂળ યેન્હે ગામનો છે અને ત્યાં તેનો પરિવાર પણ છે. આ ગામ હાલમાં તે જયાં રહે છે ત્યાંથી ૧૫૦૦ કિલોમીટર દૂર છે.

આવું બધું યાદ આવી જતાં તેણે તરત જ પોલીસ સ્ટેશનમાં જઈને મદદ માગી. તેની વાત સાંભળીને પોલીસને પણ નવાઈ લાગી, પરંતુ ઝુના કહેવા મુજબ પોલીસે ચોક્કસ ગામમાં જઈને તેના પરિવારની તપાસ કરતાં ઝુની વાતની પુષ્ટિ થઈ અને તેમનું પુનર્મિલન પણ થયું. તેના પિતાનું અવસાન થઈ ચૂકયું છે, પરંતુ ૮૩ વર્ષની મા દીકરાને પાછો આવેલો જોઈને ખુશ છે.

(11:18 am IST)