Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રશિયામાં રેકોર્ડ માઈનસ ૬૭ ડિગ્રી તાપમાન છતાં કામગીરી

લોકોના શરીર ઉપર પણ બરફના થર : મોસ્કોના પૂર્વમાં આવેલા યકુટિયામાં માઇનસ ૪૦ સુધી તો વિદ્યાર્થી નિયમિતરીતે સ્કૂલોમાં પણ ગયા હતા : રિપોર્ટ

નવી દિલ્હી, તા.૧૭ : રશિયાના ગ્રામિણ યકુટિયા ક્ષેત્રમાં તાપમાન અભૂતપૂર્વ નીચી સપાટીએ પહોંચી ગયું છે. કેટલાક વિસ્તારમાં પારો માઈનસ ૬૭ ડિગ્રી સેલ્સિયસ અથવા તો માઇનસ ૮૮.૬ ડિગ્રી ફેરનહિટ સુધી પહોંચી ગયો છે. ૧૦ લાખથી વધુ લોકોની વસતી ધરાવનાર યુકુટિયા પ્રદેશમાં માઇનસ ૪૦ ડિગ્રી તાપમાન થયું ત્યારે પણ નિયમિતરીતે વિદ્યાર્થીઓ સ્કૂલ જઈ રહ્યા હતા પરંતુ હવે આ પ્રદેશમાં સ્કૂલ કોલેજો બંધ કરી દેવામાં આવી છે. પારો માઈનસ ૬૭ સુધી પહોંચી જતાં હવે પોલીસે તેમના બાળકોને ઘરમાં રાખવા માટે માતા-પિતાને આદેશ કર્યો છે. યકુટિયા પ્રદેશ મોસ્કોથી ૩૩૦૦ માઇલ અથવા તો ૫૩૦૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. પૃથ્વી પર સૌથી ઠંડા વિસ્તાર પૈકીના એક ગણાતા ગામ ઓઇમાકોનમાં પણ હાલત કફોડી બનેલી છે. અહીં માઈનસ ૫૦ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે.

અત્રે નોંધનીય છે કે, આ ક્ષેત્રમાં ૨૦૧૩માં પારો ઓલટાઈમ લો એટલે કે માઇનસ ૭૧ સુધી પહોંચી ગયો હતો. છેલ્લા પખવાડિયામાં બે લોકોના ઠંડીના કારણે મોત થઇ ગયા છે. તેમની કાર બંધ પડી ગયા બાદ નજીકના ખેતરમાં વોકિંગ માટે ગયેલા બે લોકોના ઠંડીના લીધે મોત થઇ ગયા હતા. અન્ય ત્રણ લોકોનો બચાવ થયો છે. કારણ કે તેઓએ ખુબ જ ગરમ વસ્ત્રો પહેરેલા હતા. યકુટિયાના ગવર્નર તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રદેશમાં રહેલા તમામ ઘરમાં અને કારોબારીઓમાં સેન્ટ્રલ હિટિંગમાં કામગીરી ચાલી રહી છે. પાવર જનરેટરનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. યકુટિયાના નિવાસીઓને આ પ્રકારની ટેવ પડેલી છે. આ પ્રકારનો ગાળો આસપાસના વિસ્તારોમાં વારંવાર જોવા મળે છે. પારો રેકોર્ડ નીચી સપાટીએ પહોંચતા વાહનો ઉપર પણ બરફ જામી ગયો છે. ચારેબાજુ બરફની ચાદર જોવા મળી રહ છે. તીવ્ર ઠંડીમાં પણ ઘણા લોકોએ સેલ્ફી અને સ્ટોરી અંગે ફોટા આવ્યા છે.

(7:33 pm IST)