Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

બેન્કની ભૂલથી આ બહેન એક દિવસ માટે કરોડપતિ થઈ ગયાં

ટેકસાસી,તા.૧૬: કરોડપતિ બનવાનું સ્વપ્ન તો દરેક વ્યકિત જોતી જ હોય છે અને એ સ્વપ્ન પૂર્ણ કરવા તનતોડ મહેનત કરવા પણ તૈયાર હોય છે, પરંતુ અમેરિકાના ટેકસસના ડલાસમાં રહેતી રુથ બલૂન એક દિવસ સવારે અચાનક કરોડપતિ બની ગઈ હતી. તેના અકાઉન્ટમાં ૩૭ લાખ ડોલર એટલે કે લગભગ ૨૬.૧૫ કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા. જોકે તે માત્ર એક જ દિવસ માટે કરોડપતિ બની હતી. તેના પતિએ બેન્કમાં ફોન કરતાં જાણવા મળ્યું કે કલર્કની ભૂલને કારણે અન્ય મહિલાને સ્થાને તેમના ખાતામાં પૈસા જમા થઈ ગયા. બેન્કે પોતાની ભૂલ સુધારી લીધી હતી.

એક વખત માટે તો રુથ બલૂને માની લીધું કે તેને કોઇકે ક્રિસમસ ગિફ્ટ મોકલી છે. જોકે બેન્કે રુથના પતિને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમારી એક કલાયન્ટે તેના અકાઉન્ટમાં વિદેશી ચલણમાં રકમ જમા કરાવી હતી. એકસચેન્જના દરમાં વધ-દ્યટ થતાં બેન્કની બેક ઓફિસને મેન્યુઅલી આ લેવડદેવડની એન્ટ્રી કરવાની ફરજ પડી, પણ એ દરમ્યાન ભૂલથી આ રકમ રુથના ખાતામાં જમા કરવામાં આવી હતી. જોકે બેન્કે એક નિવેદનમાં કહ્યું હતું કે જો રુથ બલૂનના પતિએ બેન્કને જાણ ન કરી હોત તો પણ બેન્કનું ધ્યાન પડતાં એ ભૂલ સુધારી લેવાઈ હોત.

(3:28 pm IST)