Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ફ્રાન્સમાં પ્રચંડ હીમવર્ષાઃ ૩ લાખ ઘરોમાં અંધારપટ

પેરિસઃ દક્ષિણ-પૂર્વ ફ્રાંસમાં ભારે બરફવર્ષાના કારણે લગભગ ૩,૦૦,૦૦૦ દ્યરોમાં વિજળી પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. ભારે બરફવર્ષાના કારણે ટ્રેન સેવા અને રોડ પરના ટ્રાફિકની સ્થિતિ વિકટ બની છે.બીજી તરફ, આ કુદરતી આફતમાં એક વ્યકિતનું મોત પણ થયું છે.

સ્થાનિક અધિકારીઓના કહેવા મુજબ, આ વ્યકિત એક વૃક્ષ પરથી બરફ હટાવી રહ્યો હતો, ત્યારે તેના પર અન્ય એક વૃક્ષ પડ્યું હતું, જેના કારણે તેનું વ્યકિતનું મોત થયું છે.વીજળી પુરી પાડતી કંપની એડિશને જણાવ્યું છે કે, બરફવર્ષાના કારણે કુલ ૩,૦૦,૦૦૦ દ્યરોમાં વીજ-પુરવઠો ખોરવાયો છે. મુખ્યત્વે ડ્રોમ, અર્દેશે, ઇસરે અને રોન ક્ષેત્રમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

કંપનીના પ્રવકતા રોબિન દેવોગેલેરાએ કહ્યું છે કે, આ એક વિકટ સ્થિતિ છે. કારણ કે એક જ ક્ષેત્રમાં ભારે બરફવર્ષા થઈ છે, જેના કારણે વીજળીની લાઈનો અને થાંભલાઓને મહત્વપૂર્ણ નુકસાન થયું છે. તેમણે ઉમેર્યું કે, વૃક્ષો પડવાથી ટ્રાન્સમિશન લાઈનોને નુકસાન થયું છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે.

હવામાન વિભાગના કહેવા મુજબ, ૨૪ કલાકમાં આલ્પ્સ ક્ષેત્રમાં ૩૦ સેન્ટીમીટર(૧ ફૂટ) જેટલી બરફવર્ષા થઈ છે અને લ્યોન એરપોર્ટ પર જ અડધા ફૂટ જેટલી બરફવર્ષા થઈ હોવાવું નોધવામાં આવ્યું છે.

(2:30 pm IST)