Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પોતાની ૧ સાઇકલ ચોરાઇ એટલે બદલો લેવા ૬૧ વર્ષના કાકાએ ૧૫૯ સાઇકલ સીટો ચોરી

ટોકીયો,તા.૧૬:કોઈક મજબૂરીથી ચોરી કરે છે તો કોઈક શોખથી, જોકે  જપાનમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે બદલાની  ભાવનાથી ચોરી કરે છે. ચોરી પણ પાછી કેવી ચીજની? સાઈકલની સીટની. માત્ર સીટની જ. ટોકયોના ઓટા વાર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક સાઇકલની સીટો રહસ્યમય રીતે ગાયબ થવા લાગી હતી. . માત્ર સાઇકલની સીટ જ ચોરાતી હોવાથી શરૂઆતમાં તો પોલીસે પણ ખાસ ધ્યાન ન આપ્યું, પણ જયારે ગાયબ સીટોની સંખ્યા ૧૫૯ સુધી પહોંચી ગઈ ત્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવતા કેસ સાવ જ સિમ્પલ રીતે ખૂલી ગયો. એક બુઝુર્ગ આ કામ કરતા હતા. આ કાકા સાઇકલની સીટ કાઢતા અને પોતાની સાથે લાવેલી બાસ્કેટમાં મૂકીને ચુપચાપ ચાલતી પકડતા. ફુટેજ પરથી આ કાકાનું પગેરું શોધતાંય બહુ વાર ન લાગી. છાપામારી કરતાં તેમના ઘરમાંથી જ તમામ સીટો મળી આવી. કાકાનું નામ હતું અકિયો અને ઉંમર હતી ૬૧ વર્ષ. જયારે પોલીસે તેમને પૂછ્યું કે આ સીટો કેમ ચોરી છે? ત્યારે તેણે જે કારણ આપ્યું એ વિચિત્ર હતું. ગયા વર્ષે તેમની સાઇકલની સીટ ચોરાઈ ગઈ. તેમણે પોલીસમાં ફરિયાદ કરી પણ કોઈએ ધ્યાન ન આપ્યું. એ પછી તો તેમની સાઇકલ પણ ચોરાઈ ગઈ. તેણે નવી સાઇકલ ખરીદવી પડી, પણ જૂની કેવી રીતે ચોરી થઈ એ મામલે કોઈ મદદ ન કરતાં અકિયોભાઈ બહુ જ અકળાયા. પોતાનો ગુસ્સો ઠાલવવા માટે હવે તે જયાં જાય ત્યાંથી સાઇકલની સીટ ઉઠાવીને લઈ આવતા. તેમનું માનવું છે કે સીટ ચોરાય ત્યારે કેટલું દુખ થાય છે એની સમજણ લોકોને પડે એ માટે તેમણે આ કર્યું હતું. કારણ ગમે એ હોય, અત્યારે અકિયોભાઈ પોલીસની અટકમાં છે.

(3:48 pm IST)