Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

કામના તણાવથી વૃદ્ધાવસ્થા જલદી આવે છે

તણાવની અસર સીધી વ્યકિતના સ્વાસ્થ્ય પર પડે છે

વોશિંગ્ટન તા.૧૬: આજના સમયમાં સફળ કરિયર બનાવવી જરૂરી હોવાથી લોકો ભાગમભાગમાં જોડાઇ જાય છે. ડોકટર હોય, એન્જિનિયર હોય, શેફ હોય કે ફિલ્મ જગત સાથે જોડાયેલી કોઇ વ્યકિત હોય. સફળ થવા માટે દરેક વ્યકિત દિવસ-રાત જોયા વગર કામમાં લાગેલી રહે છે. આ બધાના ચક્કરમાં ઘણી વાર તણાવ આવી જાય છે. તેની સીધી અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે.

મિશિગન યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે કામને લીધે રહેતા સ્ટ્રેસ અને યોગ્ય રીતે ઊંઘ ન લઇ શકવાના કારણે વ્યકિતની શારિરીક ક્ષમતા ઘટતી જાય છે. તેનામાં ઉમર કરતાં પહેલા વૃદ્ધાવસ્થાનાં લક્ષણ દેખાવા લાગે છે. વ્યકિતના વાળ સફેદ થવા લાગે છે તો કેટલાકનું પાચનતંત્ર અને આંખોની રોશની પણ કમજોર થવા લાગે છે.

આવા સંજોગોમાં જરૂરી છે કે રાત દિવસની અલગ અલગ શિફટમાં કલાકો સુધી કામ કરવાથી તેઓ બચે. સંશોધકોએ પોતાના અભ્યાસમાં જાણ્યું કે કામને લઇને તણાવમાં રહેતા લોકો અન્યની સરખામણીમાં છ ગણા વધુ ઝડપથી વૃદ્ધ થાય છે. પોતાની વાત સાબિત કરવા માટે તેમણે ૨૫૦ યુવા ડોકટરો પર સંશોધન કર્યુ. આ તમામના ટેલોમેરેસની લંબાઇ જાણવા માટે તેમના સલાઇવાના નમૂના એકઠા કરાયા.

યુવાનો અને બાળકોમાં તણાવ વધતાં ટેલોમેરસની લંબાઇ નાની થાય છે. ટેલોમેરેસની લંબાઇ ઓછા થવાથી ડાયાબિટીલસ, હાઇબ્લસપ્રેશર અને હૃદય સંબંધિત રોગોની સાથે સાથે સમય પહેલા વૃદ્ધ થવાય છે. વિજ્ઞાનીએ જાણ્યું કે કલાકો સુધી કામ કરવા અને તણાવના કારણે ટેલોમેરેસની લંબાઇ ઝડપથી ઘટી જાય છે. શરીરને સ્વસ્થ રાખવા અને વૃદ્ધાવસ્થાનાં લક્ષણોને ઘટાડવા માટે જીવનશૈલીમાં સુધારો કરવો જરૂરી છે. વ્યકિતએ સતત કામ કરવાથી બચવું જોઇએ. ખાણીપીણીમાં બદલાવની સાથે દિવસમાં છથી આઠ કલાકની ઊંઘ લેવી જોઇએ.

(4:11 pm IST)