Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

૩૦૦૦ વર્ષ પહેલા એક મહિલાને પતિ સાથે જીવતી દાટવામાં આવી હોવાનો દાવો

મોસ્કો તા.૧૬: યુક્રેનના ટેર્નોપિલ શહેરમાં એક ખોદકામ દરમ્યાન જમીનમાંથી બે હાડપિંજર મળી આવ્યાં છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે એમાંથી એક કંકાલ પુરુષનું અને બીજું સ્ત્રીનું છે. બંન્ને એકમેકને આલિંગન આપીને સુતાં હોય એવા પોઝમાં છે. હાડપિંજરની પોઝિશન પરથી નિષ્ણાંતોને એમાં વધુ રસપડયો છે. તેમણે હાડકાં પરથી અંદાજ માંડયો છે કે એ ૩૦૦૦ વર્ષ જેટલાં જુના હોવાં જોઇએ. જોકે નિષ્ણાંતો કંકાલની પોઝિશન પરથી જે દાવો કર્યો છે એ ખરેખર ખળભળાવનારો છે તેમના કહેવા મુજબ પુરુષ ચત્તોપાટ સુતો છે અને સ્ત્રી એની પડખે બન્ને પગ પુરુષ પર રાખીને સુતી છે. તેનું માથું પુરુષના ખભા પર ઢળેલું છે અને હાથ જાણે ભેટતી હોય એમ પુરુષના ખભે વળગાડેલો છે. ઓટોપ્સી કરનારા નિષ્ણાંતોનું કહેવું છે કે માણસનામૃત્યુ પછી શબને આ પ્રકારે પોઝિશનમાં ગોઠવવું લગભગ અશકય છે. એનો મતલબ એ થાય છે કે મહિલાને જીવતી જ દાટવામાં આવી હશે. બન્ને કંકાલ પર તાંબાના આભૂષણો છે અને એની બાજુમાં ધાતુના વાસણો મળી આવ્યાં છે. આ કબર પરથી પુરાતત્વવિદો ૩૦૦૦ વર્ષ પહેલાંની સામાજિક સંસ્કૃતિનો તાગ લગાવવાની કોશિષ કરી રહયા છે. અનુભવીઓનું કહેવું છે કે એ વખતે સ્ત્રીઓ પતિના મૃત્યુ પછી સ્વેચ્છાએ મૃત્યુ સ્વીકારતી હોવી જોઇએ. સ્ત્રીના હાડકાંમાં ચોક્કસ પ્રકારનાં ઝેરી કેમિકલના અવશેષો પણ જોવા મળ્યા હોવાથી એવી ધારણા કરવામાં આવી છે કે જીવતેજીવ કબરમાં દટાતા પહેલાં મોત ઓછું પીડાદાયક બને એ માટે બેભાન થઇ જવાય એવું ઝેર તેમને અપાતું હશે.

(4:21 pm IST)