Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ઇઝરાયલે પેલેસ્ટાઇનના ગાઝા વિસ્તારમાં હવાઈ હુમલા શરૂ કર્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ઇઝરાયેલમાં સત્તા પલ્ટા પછી પેલેસ્ટાઇન સાથેનો સંઘર્ષ થંભી જશે તેવી આશા નિષ્ફળ નિવડી છે અને નવા વડાપ્રધાનના આગમન સાથે ગઇકાલે ફરી એક વખત ઇઝરાયેલે પેલેસ્ટાઇનના ગાઝા વિસ્તારમાં મોટા પાયે હવાઇ હુમલા શરૂ કરી દીધા છે. ફિલીસ્તીની સૂત્રોના જણાવ્યા મુજબ કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગરની કાર્યવાહી કરવામાં આવી છે. ગાઝા વિસ્તારમાં સ્થાનિક સેનાના મથકો પર ઇઝરાયેલના વિમાનોએ બોમ્બ મારા કર્યા હતા અને ચો તરફ આગ અને ધૂમાડા નજરે ચડતા હતા. આ હુમલા દક્ષિણ ઇઝરાયેલ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા અને ઇઝરાયેલના સૂત્રોએ દાવો કર્યો છે કે ગાઝા વિસ્તારમાં ફરી એક વખત હમાસના ત્રાસવાદી સંગઠનો એકત્ર થવા લાગ્યા છે અને તેઓ ફરી રોકેટ મારો કરે તેવી શકયતા છે. ઇઝરાયેલમાં હજુ બે દિવસ પહેલા જ આક્રમક ગણાતા વડાપ્રધાન નેતાન્યાહુએ રાજીનામુ આપી દીધુ હતું અને નવા વડાપ્રધાન તરીકે નફતાલી બેનેટએ સત્તા સંભાળી છે. જેઓ પણ આક્રમક રાજકીય નેતા તરીકે જાણીતા છે. છેલ્લે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના ત્રાસવાદીઓ વચ્ચે 11 દિવસ લાંબી અથડામણ ચાલી હતી અને ઇઝરાયેલે ગાઝા વિસ્તારોમાં હમાસ મથકોને તોડી પાડયા હતા. તથા ઓછામાં ઓછા 260 થી વધુ ત્રાસવાદીઓ તથા નાગરિકો માર્યા ગયા હતા. જયારે ઇઝરાયેલમાં પણ 13 લોકોની ખુંવારી થઇ હતી.

(6:02 pm IST)