Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

રોજ માઉથવોશ કરવું પણ ફાયદાકારકઃ તેનાં રસાયણ કોરોના વાઇરસને ખતમ કરી શકે છે

સંશોધકોએ જણાવ્યું કે માઉથવોશ દ્વારા વાઇરસને મોંમાં ખતમ કરીને ગળા સુધી પહોંચતા રોકી શકાય છે

લંડન, તા.૧૬: માઉથવોશ કોરોના વાઇરસને ખતમ કરી શકે છે અને કોવિડ-૧૯થી બચાવી શકે છે. આ દાવો આંતરરાષ્ટ્રીય વાઇરસ નિષ્ણાતોની એક ટીમે કર્યો છે.

સંશોધકોનું કહેવું છે કે માઉથવોશ કોશિકાને સંક્રમિત કરતાં પહેલા જ કોરોના વાઇરસની ચારે બાજુ એક ચરબીથી બનેલું પડ હોય છે, જેને માઉથવોશમાં રહેલું રસયાણ ઓગાળી દે છે. આ રીતે મોંમાં જ ખતમ કરીને તેની ગળા સુધી પહોંચતા રોકી શકાય છે.

સંશોધક ઓ-ડોનેલના જણાવ્યા મુજબ માઉથવોશથી કોગળા કરવાની સલાહ હજુ સુધી સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી અપાઇ નથી, પરંતુ તે શરીરમાં બહારની વસ્તુઓનું પ્રવેશદ્વાર અને એક એવો હિસ્સો છે, જેની સફાઇ ખૂબ જ જરૂરી છે. કોરોનાના સમયમાં મોંના હાઇજીનને યોગ્ય રાખવું અત્યંત જરૂરી છે. તે દાંત અને પાચન માટે પણ સારૂ છે.

સંશોધકોનું કહેવું છે કે માઉથવોશમાં કલોરહેકિસડિન અને પોવિડોન-આયોડિન જેવું રસાયણ હોય છે. આ બધામાં સંક્રમણ રોકવાની ક્ષમતા હોય છે. કોરોનાની ઉપરની સપાટી ગ્લાઇકોપ્રોટીનની હોય છે. તે ઇમ્યુન સિસ્ટમ પર હાવી થઇને શરીરમાં કોશિકાઓને સંક્રમિત કરે છે. સંશોધકોના જણાવ્યા મુજબ માઉથવોશમાં રહેલા રસાયણ કોરોના વાઇરસમાં ગ્લાઇકોપ્રોટીનથી બનેલી ઉપરની સપાટીને ઓગાળવાની કોશિશ કરે છે. એક વાર જયારે તેની બહારની સપાટી ઓગળવા લાગે છે ત્યારે તે વાઇરસ કોશિકાઓને સંક્રમિત કરી શકતા નથી.

(3:23 pm IST)